મોદી સરકારે અમારું દિલ જીતી લીધું, હવે અમે બીજેપીનાં : કંગનાની મમ્મી

12 September, 2020 02:54 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મોદી સરકારે અમારું દિલ જીતી લીધું, હવે અમે બીજેપીનાં : કંગનાની મમ્મી

કંગના રનોત મમ્મી આશા રનોત સાથે

મુંબઈમાં કંગના રનોતની ઑફિસ વિરુદ્ધ બીએમસીએ કરેલી કાર્યવાહીને પગલે ઠેર-ઠેર બીએમસી અને રાજ્ય સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. માર્ગોથી લઈને સોશ્યલ મીડિયા પર લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ ઘટના બાદ શિવસેના પણ રાજકીય ક્ષેત્રે તમામ પક્ષોનું નિશાન બની છે. તો કંગનાનું વતન એવું હિમાચલ પ્રદેશ પણ તેની પડખે ઊભું છે. આજે તેના વતનના ગામ ભાંબલામાં રૅલી કાઢવામાં આવી હતી.

દરમ્યાન કંગનાની માતા આશા રનોતે પ્રથમ વખત આ સમગ્ર પ્રકરણ અંગે નિવેદન આપ્યું છે.

આશા રનોતે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે નિંદાપાત્ર કાર્ય કર્યું છે, જેનો હું કડક વિરોધ કરું છું. હું ખુશ છું કે સમગ્ર દેશ મારી પુત્રીની સાથે છે. મને મારી પુત્રી પર ગર્વ છે. તે હંમેશાં સત્યનો સાથ આપે છે અને આપતી રહેશે. મારી પુત્રીને સુરક્ષા પૂરી પાડવા બદલ હું દેશના ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માનું છું. જો કંગનાને સુરક્ષા ન મળી હોત તો તેની સાથે કશું પણ થઈ શક્યું હોત.’

મોદી સરકાર અને જયરામ સરકારનો આભાર માનતાં તેમણે કહ્યું કે ‘અમારો પરિવાર લાંબા સમયથી કૉન્ગ્રેસમાં સક્રિય હતો. કંગનાના દાદા સ્વ. સરજુરામ મંડીના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી કૉન્ગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે મોદી સરકારે અમારું દિલ જીતી લીધું છે. હવે અમે પૂર્ણપણે બીજેપીનાં થઈ ગયાં છીએ.’

mumbai kangana ranaut amit shah bharatiya janata party mumbai news mandi