પતિના બર્થ-ડેની ઉજવણી કર્યા બાદ અંધેરીની ગૃહિણીએ ૧૫મા માળેથી ઝંપલાવ્યું

30 November, 2012 06:00 AM IST  | 

પતિના બર્થ-ડેની ઉજવણી કર્યા બાદ અંધેરીની ગૃહિણીએ ૧૫મા માળેથી ઝંપલાવ્યું



અંધેરીમાં રહેતી ૫૪ વર્ષની ગૃહિણી ઉષા રાવે ગઈ કાલે વહેલી સવારે ૧૫મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે આ ઘટના વખતે સવારે ઉષાના ઘરનો લોકો સૂઈ રહ્યા હતા. ઉષાએ ઘરની બહાર આવીને પૅસેજની બારીમાંથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. એમઆઇડીસી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. પોલીસને શંકા છે કે ડિપ્રેશનમાં આવીને મહિલાએ આત્મહત્યા કરી હશે.

ઉષા અંધેરી (ઈસ્ટ)ના જોગેશ્વરી લિન્ક રોડ પર આવેલા ૧૫ માળના કલ્પતરુ એસ્ટેટ બિલ્ડિંગમાં તેના પતિ નાગેશ સાથે રહેતી હતી. ઉષાને બે બાળકો છે અને તેઓ બન્ને અમેરિકામાં છે. તેની પુત્રી ભણી રહી છે અને પુત્ર એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે તથા તેના પતિની બાંદરામાં પેથોલૉજી લૅબ છે. પોલીસે કહ્યું હતું કે ‘ઉષા છેલ્લાં ઘણાં વષોર્થી ડિપ્રેશનમાં જીવી રહી હતી અને માનસિક કારણોસર તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો. ઉષા તેના પતિ સાથે રોજ સવારે મૉર્નિંગ વૉક પર જતી હતી. આખો દિવસ તેનો પતિ તેની પેથોલૉજીમાં કામ કરતો હતો અને ઉષા ઘરે એકલી રહેતી હતી.’

 સૂત્રોએ કહ્યું હતું કે ઉષા ઘણી વાર તેના રિલેટિવ અથવા તેના ગામ બૅન્ગલોર અથવા અન્ય જગ્યાએ સમય વિતાવવા જતી હતી. ઉષાનાં બન્ને બાળકો પિતાના બર્થ-ડે સેલિબ્રેશન માટે મુંબઈમાં બે દિવસ પહેલાં જ આવ્યાં હતાં. બર્થ-ડે સેલિબ્રેશન બાદ બન્ને ગઈ કાલે સાંજે અમેરિકા પાછાં જવાનાં હતાં.

પોલીસે કહ્યું હતું કે ‘બુધવારે રાત્રે આખી ફૅમિલીએ એકબીજા સાથે મજાથી સમય પસાર કયોર્ હતો, પરંતુ રાત્રે એક વાગ્યે તેઓ બધા સૂઈ ગયા હતા, જ્યારે ઉષા તેના પતિ સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી. નાગેશ ગઈ કાલે વહેલી સવારે ૬ વાગ્યે મૉર્નિંગ-વૉક માટે ઊઠ્યો એ વખતે તેની પત્ની બાજુમાં નહોતી દેખાઈ. પત્નીને શોધવા માટે તે બહાર ગયો. એ વખતે નીચે ઘણા લોકો ઊભેલા હતા. તેણે જોતાં ઉષા લોહીલુહાણ હાલતમાં પડેલી દેખાઈ હતી. ઉષાએ મોડી રાત્રે જ ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, પણ સવાર સુધી કોઈને આ ઘટનાની જાણ નહોતી થઈ. બિલ્ડિંગના સ્ટાફને ઉષા સવારે જોવા મળી હતી.’

એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ હુજબંદે કહ્યું હતું કે ‘હાલમાં અમે સુસાઇડનો કેસ નોંધ્યો છે અને અમને કોઈ પણ સુસાઇડ-નોટ મળી નથી. આ મહિલા ઘણી ડિપ્રેશનમાં હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી એથી તેણે જીવન ટૂંકાવ્યું હતું.

એમઆઇડીસી : મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉપોર્રેશન