ચારસોવીસીમાં તો આ બંને ભાઈઓને કોઈ પહોંચી ન શકે

14 January, 2022 08:31 AM IST  |  Mumbai | Mehul Jethva

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પર બંગલાઓ બુક કરાવવાના નામે સંખ્યાબંધ સાઇબર ફ્રૉડ્સ બે ભાઈઓના નામ પર નોંધાઈ ચૂક્યા છે : હજીય વધુ ક્રાઇમ્સનો પર્દાફાશ થવાની શક્યતા છે

ચારસોવીસીમાં તો આ બંને ભાઈઓને કોઈ પહોંચી ન શકે

મુંબઈઃ જો તમે મુંબઈ નજીકનાં પર્યટન સ્થળોએ બંગલો બુક કરવાનું વિચારી રહ્યા હો તો આકાશ જાધવાની અને અવિનાશ જાધવાની નામના ભાઈઓથી સાવધાન રહેજો. આ બન્ને સામે મુંબઈ સહિતનાં અનેક પોલીસ- સ્ટેશનોમાં ૧૪થી વધુ છેતરપિંડીની ફરિયાદ છે. બન્ને ભાઈઓ પર્યટન સ્થળોની મુલાકાત લેતા હતા એ પછી બંગલોના ફોટો પાડી એને સોશ્યલ મીડિયા પર માર્કેટ પ્લેસ પર પોસ્ટ કરતા હતા. એ પછી બુકિંગ માટે આવેલા ગ્રાહકો પાસેથી પૈસા પડાવી તેમની સાથે છેતરપિંડી કરતા હતા.
મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈ પોલીસને સોશ્યલ મીડિયા મારફત બંગલો બુક કરવા જતાં સાઇબર ફ્રૉડનો શિકાર થયાની લોકોની ફરિયાદ મળી હતી. આ તમામ કેસમાં આરોપી બંગલોનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતો હતો જેને ફરિયાદી બુક કરવા માટેની તૈયારી દેખાડતાં આરોપી બંગલો બુક કરવા પહેલાં પૈસાની માગણી કરતો હતો. એ પૈસા આપ્યા પછી આરોપી પોતાનો મોબાઇલ બંધ કરી દેતો હતો. આ સંબંધી સૌથી પહેલી ફરિયાદ મલબાર હિલ પોલીસ સ્ટેશનને મળી હતી જેમાં એક ગ્રાફિક ડિઝાઇનર ગુજરાતી યુવતી આ સાઇબર ગઠિયાનો શિકાર બની હતી અને સાઇબર ફ્રૉડમાં તેણે ૫૦ હજાર રૂપિયા ગુમાવ્યા હતા. મલબાર હિલ પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી, પણ થોડા વખતમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પરત આ જ મોડસ ઑપરેન્ડી સાથે તેમણે લોકોને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું હતું જેમાં દાદર, ઘાટકોપર, મુલુંડ, ડી. બી. માર્ગ સહિત થાણે અને નવી મુંબઈનાં અનેક પોલીસ-સ્ટેશનોમાં આવી ફરિયાદો નોંધાતાં હાલમાં એક પછી એક પોલીસ-સ્ટેશન આ આરોપીઓની તપાસ કરી રહ્યું છે.
પંતનગર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી કિરણ પિશળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે આ બન્ને ભાઈઓની ધરપકડ કરી છે. આરોપીઓના પાડોશમાં રહેતા એક પરિવારને તેમણે આફ્રિકાના ટૂર પૅકેજના નામે ૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમને મળી હતી. આરોપી પર આ પહેલાંના ૧૪થી વધુ કેસો છે અને આ સંખ્યા વધવાની શક્યતા છે.’

mumbai mumbai news Crime News