AC ડબ્બો ન મળતાં નાગપુર સ્ટેશને વિધાનસભ્યોની ધમાલ

22 December, 2014 05:49 AM IST  | 

AC ડબ્બો ન મળતાં નાગપુર સ્ટેશને વિધાનસભ્યોની ધમાલ


સાદગીનું ઉદાહરણ પૂરું પાડવા રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પોતે સ્પેશ્યલ ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું ટાળે છે, પરંતુ રાજ્યના પાંચ વિધાનસભ્યોએ રેલવેના AC ડબ્બામાં પ્રવાસ કરવા માટે શુક્રવારે રાત્રે નાગપુર સ્ટેશને ધમાલ મચાવી હતી એટલું જ નહીં, પોતાની સગવડ માટે પ્રવાસીઓને હેરાન કરવા ૧૦ વખત સાંકળ પણ ખેંચી હતી. આ ધમાલમાં ટ્રેન ચાર કલાક મુંબઈ મોડી પહોંચી હતી એવો આરોપ પ્રવાસીઓએ કર્યો હતો.

સેવાગ્રામ એક્સપ્રેસ શુક્રવારે રાત્રે પોણાનવ વાગ્યે નાગપુરથી ઊપડવા તૈયાર હતી ત્યારે વિધાનસભાના શિયાળુ સત્રમાં બે દિવસની રજા હોવાથી ઘણા વિધાનસભ્યો પોતાને ઘરે જવા નીકળ્યા હતા, પરંતુ પાંચ વિધાનસભ્યોને સ્લીપર ક્લાસની ટિકિટો મળતાં તેઓ નારાજ થયા હતા. પોતાને માટે રેલવેએ જુદો ડબ્બો જોડવો જોઈએ એવો આગ્રહ વિધાનસભ્યોએ કર્યો હતો. રેલવે પ્રશાસને ખ્ઘ્નો ડબ્બો જોડવાનું માન્ય ન કરતાં આ વિધાનસભ્યોએ ૧૦ વાર સાંકળ ખેંચી હતી એથી ટ્રેનને નાગપુર રેલવે-સ્ટેશનથી ઊપડતાં મોડું થયું હતું તેમ જ વર્ધા સ્ટેશનથી પણ ગાડી મોડી ઊપડી હતી એથી રેલવે-ટ્રાફિકમાં ફરક પડતાં ગાડી મુંબઈ ચાર કલાક મોડી પહોંચી હતી.

AC ડબ્બો જોડવો શક્ય નહોતો : રેલવે

રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે આ ટ્રેન માટે ઘણા વિધાનસભ્યોએ AC ડબ્બામાં રિઝર્વેશન માગ્યું હતું, પરંતુ નાગપુર સ્ટેશનનો સ્ત્ભ્ ક્વોટા પૂરો થતાં માત્ર પાંચ વિધાનસભ્યોને સ્લીપર ક્લાસમાં રિઝર્વેશન આપ્યું હતું એથી વિધાનસભ્યોએ જુદા AC ડબ્બાની માગણી કરી હતી, પરંતુ દરેક ગાડીની ડબ્બા ખેંચવાની એક ચોક્કસ ક્ષમતા હોય છે એથી જુદો AC ડબ્બો જોડવો શક્ય નહોતો એટલે અમે વિધાનસભ્યોની માગણીનો અસ્વીકાર કર્યો હતો. એ દરમ્યાન સાંકળ ખેંચાઈ હતી, પરંતુ આ કામ વિધાનસભ્યોએ કર્યું હતું કે નહીં એ કહી ન શકાય. આ ધમાલમાં ટ્રેન નાગપુર સ્ટેશનથી ૨૦ મિનિટ મોડી ઊપડી હતી અને વર્ધા સ્ટેશને ૧૦ મિનિટ મોડી પડી હતી એવી માહિતી રેલવેના જનસંપર્ક અધિકારી પ્રવીણ પાટીલે આપી હતી.