રમકડાંમાં વધારેલી ઇમ્પોર્ટ ડ્યુટી કોને રડાવશે?

14 February, 2020 12:21 PM IST  |  Mumbai Desk

રમકડાંમાં વધારેલી ઇમ્પોર્ટ ડ્યુટી કોને રડાવશે?

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં આવતા નાણાકીય વર્ષમાં રમકડાં (ટૉયઝ)ની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ૨૦૦ ટકાનો વધારો ઝીંકવામાં આવતાં રમકડાંનું વેચાણ કરતા રિટેલરો પાસે તેનો વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. ૨૦માંથી સીધી ૬૦ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી કરી નાખવામાં આવતાં મુંબઈના રમકડાંના રિટેલરોનું યુનાઇટેડ ટૉયઝ અસોસિયેશન તેને પાછું ખેંચવા માટે રજૂઆત કરશે. દિલ્હી અને વેસ્ટ બંગાળનાં ટૉયઝ અસોસિયેશન ઇમ્પોર્ટ ડ્યૂટીને રોલ-બૅક કરવામાં આવે એ માટે કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલને મળ્યું હતું. સરકાર જો ડ્યૂટીવધારાને રોલ-બૅક નહીં કરે તો ધંધો ઠપ થઈ જશે અને અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે.

મેક ઇન ઈન્ડિયાને આગળ ધપાવવા માટે સરકારે એક કદમ લીધું છે અને તેનાં સકારાત્મક પરિણામ આગળ જતાં જોવા પણ મળી શકે છે. આ અંગે યુનાઇટેડ ટૉયઝ અસો.ના પ્રવક્તા રેહાન ધોરાજીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશ આખામાં ટૉયઝ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૪૦૦૦ કરોડ રૂપિયાનું છે. છેલ્લાં બે વર્ષમાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ૫૦૦ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, એ રિટેલરો માટે ખમવાની તાકાત નથી ધરાવતો. ૩૫ ટકા જેટલો ધંધો ડાઉન થઈ ગયો છે અને હાલમાં કરવામાં આવેલો વધારો નાના રિટેલરોની કમર ભાંગી નાખશે. ગયા અઠવાડિયે દિલ્હી અને વેસ્ટ બંગાલ અસોસિયેશનના સભ્યો કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલને મળ્યા હતા. ડ્યૂટીમાં કરાયેલો વધારો પાછો ખેંચવો કે નહીં તેની જાણ આવતા અઠવાડિયે કરવામાં આવશે, એવું ગોયલે જણાવ્યું હતું. અમારું ઑલ ઇન્ડિયા ટૉયઝ અૅન્ડ બેબી પ્રોડક્શન અસોસિયેશન આવતા અઠવાડિયે મળીને તેમને વધારો રોલ-બૅક કરવા વિનંતી કરીશું.’

રમકડાંની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવા અંગે બોરીવલીમાં રહેતા જિતુ ટૉયઝના જિતેન્દ્ર વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડ્યૂટી વધારવામાં આવી હોવાથી રમકડાં ઇન્ડસ્ટ્રીને એટલો બધો ફરક નહીં પડે. ઊલટાનું વિદેશી માલ ખાસ કરીને ચાઇનાથી આવતા માલનું વેચાણ બંધ થશે અને ભારતનો માલ વધુ વેચાશે. ભારતીય બનાવટનાં રમકડાંને પુશ કરવા માટે સરકારે કદાચ આ પગલું લીધું હોઈ શકે એવું મારું માનવું છે.’

બ્રિચકેન્ડી વિસ્તારમાં મનોજ સ્ટોરના માલિક મનોજભાઈ મણિલાલ ગાલાએ ‘મિડ-ડે’ને આ અંગે જણાવ્યું હતું કે ‘ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાથી ટૉય ઇન્ડસ્ટ્રી ફિનિશ થઈ જશે. ભારતમાં એક લાખથી વધુ રમકડાંના વેપારી છે, જેને સીધી અસર થશે. હાલમાં જે રીતે વધારો થયો છે તેને કારણે રમકડાંની ખરીદી ઓછી થઈ જશે. ભારતમાં ૧૦૦ રૂપિયામાં મળતું રમકડું જ્યારે ૩૦૦ રૂપિયાની કિંમતનું થઈ જાય તો તેને કોણ લેશે. જો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને મેક ઇન ઇન્ડિયાને આગળ ધપાવવાનો સરકાર પ્રયાસ કરી રહી હોય તો ભારતીય માલ પર સબસિડીની જાહેરાત સરકાર કેમ નથી કરતી. એક બાજુ સરકાર દ્વારા ડ્યૂટીમાં વધારો કરવાને કારણે વેપારીઓની કમર ભાંગી જશે અને બીજું, રમકડાં ઇમ્પોર્ટ થયા પછી જે લમણાઝીંક કરવી પડે છે એ પણ અસહ્ય છે. ખરેખર તો રમકડાં બાળકોનો વિકાસ કરતાં હોય છે. હવે તો એજ્યુકેશનમાં પણ ‘લર્નિંગ ટુ પ્લે’ ચલણ આવી ગયું છે. જો સરકાર ડ્યૂટીમાં કરાયેલો વધારો રોલ-બૅક નહીં કરે તો ટૉયઝ ઇન્ડસ્ટ્રી તો ફિનિશ થઈ જ જશે, સાથે બાળકોનો વિકાસ પણ રુંધાઈ જશે એ નક્કી.’
ઇન્ટરનૅશનલ ટૉયઝની ક્વૉલિટી અને તેમાં મળતી વિવિધતા ભારતમાં બનતા ટૉયઝની સરખામણીએ સારી હોય છે, એવું ટૉયઝ અસો.ના સભ્યોનું કહેવું છે. આ ઉપરાંત ઇમ્પોર્ટેડ રમકડાં પરવડી શકે એવા ભાવે મળતાં હોય છે. જો ઇમ્પોર્ટ ડ્યૂટીનો સૂચિત વધારો લાગુ કરાય તો હાલમાં દેશમાં સારી ક્વૉલિટી અને વિવિધતાવાળાં પરવડી શકે એવાં ગ્રોથ થઈ રહેલી રમકડાંની ઇન્ડસ્ટ્રીને ઘણો ધક્કો પહોંચશે.

mumbai mumbai news