સેક્સ-વેપારના પર્દાફાશ બાદ કાઝી ફરાર

29 December, 2012 07:29 AM IST  | 

સેક્સ-વેપારના પર્દાફાશ બાદ કાઝી ફરાર



ભૂપેન પટેલ

મુંબઈ, તા. ૨૯

કેવી રીતે આરબો પત્નીઓ ખરીદે છે અને પછી તેમને તરત તરછોડી દે છે એનો પર્દાફાશ કરતો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રગટ થતાં નાગપાડાના દો ટાંકી વિસ્તારમાં આવાં લગ્નો કરાવનાર કાઝી મોહમ્મદ ઝકરિયા ઓમર પોતાની ઑફિસમાંથી ફરાર છે. એક મહિનાની તપાસ બાદ કઈ રીતે ધનાઢ્ય આરબો ૧૫ વર્ષની સગીર વયની કિશોરીઓ સાથે લગ્ન કરે છે એનો પર્દાફાશ ‘મિડ-ડે’એ ગઈ કાલે કર્યો હતો. કાઝીઓ રૂપિયાની લાલચમાં આવાં લગ્નોને મંજૂરી આપે છે.

આ રિપોર્ટ છપાયા બાદ વી.પી. રોડ તથા નાગપાડા પોલીસ-સ્ટેશનના અધિકારીઓ કાઝીને પકડવા માટે તેમની ઑફિસે જઈ આવ્યા, પરંતુ તેઓ ગાયબ છે. સામાન્ય રીતે દર શુક્રવારે તેઓ પોતાની ઑફિસમાં હોય છે, પરંતુ તેમણે ઑફિસ ખોલી જ નહોતી. કાઝીના પરિવારજનોએ કહ્યું હતું કે તેઓ ઘરે પાછા આવશે એટલે તરત પોલીસને જાણ કરવામાં આવશે. ભૂતકાળમાં પણ કાઝીની આવા ગુનાસર અટક કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે સગીર વયની યુવતીનાં આરબ સાથે લગ્ન કરાવનાર મહિલાદલાલ સમીનાને પકડવાનો કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો. ‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમ્યાન ૧ લાખ રૂપિયા લઈને એક હૈદરાબાદી સગીર યુવતી સાથે આરબનાં લગ્ન કરાવ્યાં હોવાની કબૂલાત સમીનાએ કરી હતી.

ઍડિશનલ પોલીસ-કમિશનર ઑફ પોલીસ ક્રિષ્ના પ્રકાશનો સંપર્ક કરવામાં આવતાં તેમણે આ વિશે તપાસ કરવાની ખાતરી આપી હતી. જોકે મુંબઈના કમિશનર ઑફ પોલીસનો સંપર્ક નહોતો થઈ શક્યો તેમ જ તેમણે SMSનો જવાબ આપવાની તસ્દી નહોતી લીધી તથા સગીર વયની યુવતીઓને દલાલના સકંજામાંથી છોડાવવા માટે કોઈને સૂચના પણ નહોતી આપી.

પોલીસ પ્રિવેન્શન ઑફ ઇમ્મૉરલ ટ્રાફિકિંગ અંતર્ગત ચોક્કસ કાર્યવાહી કરી શકાય એવું લીગલ એક્સપર્ટનું માનવું છે. જો યુવતીઓને ગેરકાયદે રીતે આરબ દેશોમાં લઈ જવાના કોઈ પુરાવાઓ મળે તો પ્રિવેન્શન ઑફ ઇમ્મૉરલ ટ્રાફિકિંગ ઍક્ટ પણ લાગુ પાડી શકાય.

જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ હિમાંશુ રૉયે કહ્યું હતું કે ‘આવા સારા કામ માટે ‘મિડ-ડે’ને અભિનંદન. ગરીબ યુવતીઓને આવા ગોરખધંધામાં બળજબરીપૂર્વક સામેલ કરવાના આ નેટવર્કના દરેક પહેલુઓની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. આ આર્ટિકલ વાંચ્યા બાદ મેં તરત જ અમારી ટીમને આ સંદર્ભે કામ કરવાનો આદેશ આપ્યો છે.’