એકતરફી પ્રેમીના હુમલાનો ભોગ બનેલી કૉલેજિયન યુવતીનું મૃત્યુ

26 December, 2012 05:24 AM IST  | 

એકતરફી પ્રેમીના હુમલાનો ભોગ બનેલી કૉલેજિયન યુવતીનું મૃત્યુ


એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ચૉપર મારીને ગંભીર રીતે જખમી કરેલી ચેતના કૉલેજની સ્ટુડન્ટ પાયલ બલસારાનું ગઈ કાલે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બાંદરામાં આવેલી ચેતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝની ફાઇનલ યરની સ્ટુડન્ટ પાયલ બલસારાની ગયા મંગળવારથી બાંદરા (ઈસ્ટ)માં આવેલી ગુરુનાનક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ચેતના કૉલેજમાં પાયલની સાથે જ ભણતા અને તેને એકતરફી પ્રેમ કરતા બાવીસ વર્ષના નિખિલ બનકરે શનિવારે કૉલેજમાં ચૉપર મારીને તેને જખમી કરી હતી. ત્યારથી તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ડૉક્ટરોના બહુ પ્રયાસ બાદ પણ તે બચી શકી નહોતી અને ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યે તે મૃત્યુ પામી હતી.

હૉસ્પિટલના ડૉક્ટરોને કહેવા મુજબ છેલ્લા બે દિવસમાં તેના પર બે ઑપરેશન થયાં હતાં, પણ આંતરડામાં ઇન્ફેક્શન વધવાની સાથે શરીરમાંથી બહુ લોહી વહી જવાને લીધે સોમવારથી જ તેની તબિયત ધીરે-ધીરે કથળી રહી હતી. છેવટે ગઈ કાલે સવારે તેનું મૃત્યુ થયું હતું.

શું બન્યું હતું?


નિખિલ બનકરના પિતા સેલ્સ-ટૅક્સ ઑફિસર છે. ચેતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝના ફાઇનલ યરમાં ભણતો બાવીસ વર્ષનો નિખિલ બનકરે તેની સાથે જ ભણતી પાયલને એકતરફી પ્રેમ કરતો હતો અને એને લીધે જ થોડા દિવસ પહેલાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો એટલે પાયલના મામાએ નિખિલ સામે ખેરવાડી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે નિખિલને બોલાવી તેનું કાઉન્સિલિંગ કરી ચેતવણી આપીને છોડી મૂક્યો હતો. આમ છતાં તેણે પાયલનો પીછો છોડ્યો નહોતો. કંટાળેલી પાયલે કૉલેજમાં પણ તેની ફરિયાદ કરી હતી. છતાં નિખિલે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે શનિવારે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ તેણે પાયલ પર ચૉપરથી વાર કરીને તેને જખમી કરી હતી અને ત્યાર બાદ પોતાના પર પણ ચૉપરથી વાર કરીને આત્મહત્યા કરી હતી.