ડૉક્ટરની કારમાં વૉકી-ટૉકી, સિમ-કાર્ડ, રિવૉલ્વર, બોગસ આઇ-કાર્ડ, પ્રેસ-કાર્ડ

07 December, 2011 09:54 AM IST  | 

ડૉક્ટરની કારમાં વૉકી-ટૉકી, સિમ-કાર્ડ, રિવૉલ્વર, બોગસ આઇ-કાર્ડ, પ્રેસ-કાર્ડ



શહેરની ભાયખલા પોલીસે ગેરકાયદે લાલ બત્તી સામેની ઝુંબેશ અંતર્ગત સાઉથ મુંબઈના ૩૭ વર્ષના એક એમબીબીએસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. પોતાની હૉન્ડા સિટી કાર પર લાલ બત્તી લગાવીને ફરતા આ ડૉક્ટરની વધુ તપાસ દરમ્યાન બે વૉકી-ટૉકી, ૧૩

સિમ-કાર્ડ તથા લાઇસન્સ વગરની એક રિવૉલ્વર પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આગ્રીપાડાના સાત રસ્તા વિસ્તારમાં આવેલા લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં રહેતા ઇશાદુર હાફિઝુર રહેમાન ભાયખલાના માઝગાવ વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે.

પોલીસે સોમવારે રાત્રે ડૉક્ટરને તેની કાર પર પોલીસનો લોગો તથા લાલ બત્તી લગાવવાનું કારણ પૂછતાં તેણે પોતે પોલીસ-ડૉક્ટર હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું; પરંતુ વધુ તપાસ કરતાં કારમાંથી બે વૉકી-ટૉકી, ૧૩ સિમ-કાર્ડ, લાઇસન્સ વગરની એક રિવૉલ્વર, બે લાલ બત્તી, એક પ્રેસ-કાર્ડ, ચાર જીવંત કારતૂસ, ત્રણ મોબાઇલ ફોન તથા એક બોગસ આઇ-કાર્ડ મળ્યાં હતાં. રહેમાનની પત્ની વહીદા પણ ડૉક્ટર છે. તેણે પોલીસને માહિતી આપતાં કહ્યું હતું કે રહેમાનની માનસિક હાલત સ્થિર નથી અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ એક ક્લિનિક ચલાવતા રહેમાનનાં અન્ય તમામ ડૉક્યુમેન્ટ્સની તપાસ પણ કરી રહી છે.

રહેમાનને ૧૨ ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે. તેના પર છેતરપિંડી તથા પબ્લિક સર્વન્ટ હોવાનો ઢોંગ કરવાનો તેમ જ મોટર વેહિકલ ઍક્ટના વિવિધ આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં પોલીસે

ઇન્કમ-ટૅક્સ વિભાગના અસિસ્ટન્ટ કમિશનરને પણ લાલ બત્તી રાખવાના ગુના હેઠળ પકડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ લાલ બત્તીના સ્વાંગમાં આંતકવાદી પ્રવૃત્તિઓ અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓને પણ નકારી શકાય એમ નથી.