કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં લિટરે રૂ, 1.50નો વધારો કર્યો, છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં વધે

14 November, 2014 05:46 AM IST  | 

કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં લિટરે રૂ, 1.50નો વધારો કર્યો, છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં વધે



ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઑઇલની કિંમતોમાં ઘટાડાના પગલે કેન્દ્ર સરકારે ઑગસ્ટથી લઈને ઑક્ટોબર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં સતત છ વાર અને છેલ્લા એક મહિનામાં ડીઝલની કિંમતોમાં બે વાર ઘટાડો કર્યો હતો. જોકે ગઈ કાલે સરકારે વધારાની ૧૩,૦૦૦ કરોડની રેવન્યુ એકઠી કરવા પેટ્રોલ અને ડીઝલ પર લિટરદીઠ દોઢ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે, પરંતુ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો નહીં વધે, કેમ કે આ વીક-એન્ડમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં ઘટાડાની શક્યતા હોવાથી વધેલી કિંમતો ઍડ્જસ્ટ થઈ જશે અને એક્સાઇઝ ડ્યુટીના વધારાની અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર નહીં થાય એમ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના ચૅરમૅન બી. અશોકે કહ્યું હતું.

નૉર્મલ કે અનબ્રૅન્ડેડ પેટ્રોલ પર લિટરદીઠ લેવાતી એક્સાઇઝ ડ્યુટી ૧.૨૦ રૂપિયાથી વધીને ૨.૭૦ રૂપિયા અને ડીઝલ પર લિટરદીઠ વસૂલ કરવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી ૧.૪૬ રૂપિયાથી વધીને ૨.૯૬ રૂપિયા કરવામાં આવી છે. એ રીતે જ બ્રૅન્ડેડ પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી લિટરદીઠ ૨.૩૫ રૂપિયાથી વધારીને ૩.૮૫ રૂપિયા તેમ જ બ્રૅન્ડેડ ડીઝલ પર લિટરદીઠ લેવાતી એક્સાઇઝ ડ્યુટી ૩.૭૫ રૂપિયાથી વધારીને ૫.૨૫ રૂપિયા કરી દેવામાં આવી છે.

પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઑઇલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નિયમ પ્રમાણે ભારતની પેટ્રોલિયમ કંપનીઓ આજે કિંમતોનો પખવાડિક રિવ્યુ કરશે એથી આજની ગણતરી પ્રમાણે એક્સાઇઝ ડ્યુટીના વધારા જેટલી કિંમતો ઘટવાની શક્યતા છે એથી આ કિંમતો સરભર થઈ જશે અને પેટ્રોલ તથા ડીઝલની કિંમતો હાલમાં છે એટલી જ રહેશે.