ઍરર્પોટના શ્વાને 1.5 કરોડની હેરોઈન સાથે મહિલાને પકડી

14 December, 2011 09:43 AM IST  | 

ઍરર્પોટના શ્વાને 1.5 કરોડની હેરોઈન સાથે મહિલાને પકડી



છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનાં કેફી દ્રવ્યો પકડનારા મુંબઈ કસ્ટમ્સના નાર્કોટિક્સ વિભાગની ડૉગ-સ્ક્વૉડે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર પોતાની કાબેલિયત ફરી પુરવાર કરીને વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. ગઈ કાલે સવારે આ ડૉગ-સ્ક્વૉડના ચાર સભ્યોમાંના એક કૂતરાએ યુગાન્ડાની મહિલાએ છુપાવેલું ૧.૫૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫.૫ કિલો હેરોઇન પકડી પાડ્યું હતું. યુગાન્ડાનું નાગરિકત્વ ધરાવતી ૨૫ વર્ષની ડાના મોસુઆગા નામની મહિલાએ પોતાનાં જરૂરી તમામ સિક્યૉરિટી-ચેક સફળતાપૂર્વક પસાર કર્યાં હતાં, પરંતુ ઇથિયોપિયન ઍરવેઝની ફ્લાઇટમાં જવા પહેલાંના અંતિમ ચેક-અપ દરમ્યાન ત્યાં ફરજ બજાવતો કૂતરો બૅગ તરફ જોઈને ભસવા માંડ્યો એટલે ડેપ્યુટી કમિશનર ઑફ કસ્ટમ્સ સમીર વાનખેડેની દોરવણી હેઠળ ઍર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે ત્યાં પહોંચીને બૅગની ફરી ચકાસણી કરી ત્યારે અલગ-અલગ ૮૦ થેલીમાં છુપાવી રાખેલું આ ડ્રગ્સ મળ્યું હતું.

ઑફિસરોના જણાવ્યા મુજબ ભારતમાં કાર્યરત ડ્રગ્સ-માફિયાની ડાના મોસુઆગા સક્રિય સભ્ય છે. દિલ્હીથી સોમવારે આ ડ્રગ્સનું પાર્સલ મેળવી મંગળવારે મુંબઈથી ઇથિયોપિયા ઍરવેઝની ફ્લાઇટમાં તે રવાના થવાની હતી. આજે બપોરે તેને એસ્પ્લેનેડ ર્કોટમાં રજૂ કરવામાં આવશે.