29 May, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલારની આગેવાનીમાં ગઈ કાલે BJPના પ્રતિનિધિમંડળે BMCના કમિશનરની મુલાકાત કરી હતી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અને મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન આશિષ શેલારની આગેવાનીના BJPના પ્રતિનિધિમંડળે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લાં ૨૦ વર્ષમાં BMCએ નાળાસફાઈમાં, મીઠી નદીમાંથી ગાળ કાઢવા, પૂરની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા, નાળાંના બાંધકામ અને બ્રિમ્સટોવૅડ સહિતનાં કામ માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં મુંબઈની પરિસ્થિતિ કેમ બદલાઈ નથી એનો જવાબ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે આપે. તેમણે મુંબઈગરા સાથે એક લાખ કરોડ રૂપિયાની બેઈમાની કરી હોવાનો આરોપ કરવાની સાથે આ કામ બાબતે BMC વાઇટ પેપર જાહેર કરે એવી માગણી આશિષ શેલારે કરી હતી.
આશિષ શેલારે BMCના કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લીધા બાદ મીડિયાને આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘BMCના ૨૦ વર્ષના ૮૦ લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી ૪૦ ટકા નાળાં અને મીઠી નદીની સફાઈ કરવામાં તેમ જ બ્રિમ્સટોવૅડ માટે ખર્ચ કરવામાં આવ્યા હોવાનું માનીએ તો ૨૦ વર્ષમાં મુંબઈકરોના એક લાખ કરોડ રૂપિયા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ ખર્ચ કર્યા છે. આનો હિસાબ તેઓ મુંબઈકરોને આપે અને પછી અત્યારનાં ત્રણ વર્ષનો હિસાબ અમારી પાસે માગે. અમે કમિશનર ભૂષણ ગગરાણીને પૂછ્યું હતું કે બ્રિમ્સટોવૅડ પ્રોજેક્ટ આટલાં વર્ષમાં કેમ પૂરો નથી થયો? આ પ્રોજેક્ટ માટે ૨૦૧૭માં કેટલો ખર્ચ થયો? તેમ જ ૨૫થી ૫૦ મિ.મી. વરસાદ થાય તો પણ શહેરમાં પાણી ન ભરાય એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવનાર હતી એ પણ પૂરી નથી થઈ. ૫૦ મિ.મી.થી વધુ વરસાદ મુંબઈમાં પડે તો શું કરશો? છેલ્લા કેટલાક સમયમાં મુંબઈમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો શહેરને જળબંબાકાર થતાં કેવી રીતે બચાવી શકશો? મીઠી નદીનો ગાળ કાઢીને ક્યાં ફેંકવામાં આવ્યો? એના માટે કેટલો ખર્ચ થયો? એની માહિતી મુંબઈકરોને આપવામાં આવે. છેલ્લાં ૨૦ વર્ષમાં કરવામાં આવેલા કામનું વાઇટ પેપર જાહેર કરવાની માગણી અમે કરી છે.’