પાલઘર જિલ્લામાં વિદેશથી આવેલા ૪૫ પ્રવાસીઓ નિરીક્ષણ હેઠળ

16 March, 2020 03:41 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

પાલઘર જિલ્લામાં વિદેશથી આવેલા ૪૫ પ્રવાસીઓ નિરીક્ષણ હેઠળ

પ્રતીકાત્મક તસવીર

પાલઘર જિલ્લાના વાડા ખાતે અગાઉ કોરોનાના શંકાસ્પદ દરદીઓની ટેસ્ટ નેગેટિવ આવી છે ત્યારે બીજા પાંચ શંકાસ્પદ દરદીઓને મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને વિદેશથી આવેલા જિલ્લાના કુલ ૪૫ પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ રખાયા હોવાનું જિલ્લા કલેક્ટર ડૉ. કૌલશ શિંદેએ જણાવ્યું હતું. આમાંથી ૧૯ પ્રવાસીઓનો નિરીક્ષણનો સમય પૂરો થયા બાદ તેમને કોરોના લાગુ ન પડ્યો હોવાનું જણાઈ આવ્યું છે.
કોરોના વાઇરસ ફેલાવાની શક્યતાથી રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પાલઘર જિલ્લામાં સાવચેતીના પગલારૂપે જિલ્લાની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયતના ક્ષેત્રમાં આવતી સરકારી અને ખાનગી સ્કૂલો, આંગણવાડી અને કૉલેજ, પ્રશિક્ષણ સેન્ટર વગેરે સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યાત્રા, જાત્રા, પદયાત્રા કીર્તન, ભંડારો, સાર્વજનિક કાર્યક્રમ વગેરે ૩૧ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યાં છે.
એટલું જ નહીં, જિલ્લામાં સામાજિક, સાંસ્કૃતિ, રાજકીય, ધાર્મિક, રમતગમતના તમામ પ્રકારના કાર્યક્રમોને નવા આદેશ ન મળે ત્યાં સુધી કોઈ પણ જાતની પરવાનગી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે લોકોને પણ આ મહારોગચાળાનો સામનો કરવા માટે તમામ નાગરિકોને ખાનગી કાર્યક્રમ, લગ્ન સમારંભ પોતાની સામાજિક જવાબદારી સમજીને પોસ્ટપોન્ડ કરવાની વિનંતી કરી છે.
લોકોમાં ભયનું વાતાવરણ ન સર્જાય એ માટે વ્યાપક પ્રચાર, પ્રસાર, જનજાગૃતિ કરાઈ રહી છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને શહેરમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના માધ્યમથી આ બીમારી સંબંધિત માહિતીનાં બૅનર, હોર્ડિંગ્સ લગાવાયાં છે. કૅબલ નેટવર્ક દ્વારા માહિતી પહોંચાડાઈ રહી છે. બસ-સ્ટૅન્ડ, રેલવે સ્ટેશન, મૉલ, બૅન્ક, એટીએમ વગેરે સ્થળોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનો આદેશ કલેક્ટર દ્વારા અપાયો છે.
પાલઘર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો એક પણ દરદી નથી, પરંતુ સાવચેતીરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રકારની તકેદારી રખાઈ રહી છે. તેમણે લોકોને કૌટુંબિક કાર્યક્રમો ઘરમેળે કરવાની, મંદિર કે અન્ય ધર્મસ્થાનકોમાં એકસાથે ગિરદી ન કરવાની તેમ જ અફવા પર વિશ્વાસ ન કરવાની વિનંતી કરી છે.

mumbai mumbai news palghar coronavirus