ભારત સાથે સંબંધ સુધર્યા બાદ જ દેશની આર્થિક ક્ષમતા સુધરશે : ઇમરાન ખાન

24 January, 2020 12:19 PM IST  |  Davos

ભારત સાથે સંબંધ સુધર્યા બાદ જ દેશની આર્થિક ક્ષમતા સુધરશે : ઇમરાન ખાન

ઇમરાન ખાન

આર્થિક રીતે કથળી ગયેલા પાકિસ્તાને દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમના મંચ પરથી પોતાની તડપ સ્વીકારી લીધી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જ્યારે ભારત સાથેના અમારા સંબંધો સામાન્ય થઈ જશે ત્યારે દુનિયાને પાકિસ્તાનની સાચી આર્થિક ક્ષમતા જાણવા મળશે. પાકિસ્તાની પીએમએ કહ્યું કે શાંતિ અને સ્થિરતા વગર આર્થિક વિકાસ શક્ય નથી. પરમાણુ શસ્ત્રથી સંપન્ન બન્ને દેશ વચ્ચે કાશ્મીર મુદ્દે જે વિવાદ છે એનો ઉકેલ મેળવવા આંતરરાષ્ટ્રીય સમુદાયે દરમ્યાનગીરી કરવી જોઈએ.

આ દરમ્યાન ઇમરાન ખાને ભારત સાથે ખરાબ સંબંધોને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાન પણ એક કલ્યાણકારી દેશ બનવા ઇચ્છે છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને જણાવ્યું કે પાકિસ્તાન કોઈ પણ નવા સંઘર્ષનો ભાગીદાર નહીં બને, કારણ કે શાંતિથી જ દેશનું ભલું થઈ રહ્યું છે. ખાને દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક કૉન્ગ્રેસ સેન્ટરમાં ‘પાકિસ્તાન સ્ટ્રૅટેજી ડાયલૉગ’ નામના એક સત્રને સંબોધિત કરતાં આ વાત જણાવી.

તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાન જેહાદ અને ૯/૧૧ના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ બન્નેમાંથી શીખ લીધી છે જેણે પાકિસ્તાન અને તેના નાગરિકોને બહુ નુકસાન પહોંચાડ્યું છે. પીએમ ખાન અત્યારે વર્લ્ડ ઇકૉનૉમિક કૉન્ગ્રેસની વાર્ષિક મીટિંગમાં ભાગ લેવા માટે સ્વિટ્‌ઝરલૅન્ડના ત્રણ દિવસીય પ્રવાસે છે. પ્રવાસ દરમ્યાન તે કૉર્પોરેટ, વ્યાપાર, ઔદ્યોગિક અને નાણાં સંબંધિત અધિકારીઓ સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ઘણી મ‌િટિંગ કરશે.

imran khan international news pakistan india