સ્પેન અનલૉક થતાં જ લોકો બેપરવાહ થઈ ગયા : નિષ્ણાતોએ ચેતવ્યા

11 May, 2021 01:23 PM IST  |  Madrid | Agency

સ્પેનના નાગરિકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારીઓને ધ્યાનમાં રાખ્યા વિના છ મહિનાના લૉકડાઉનના અંતની ઉજવણી કરતાં એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસ મહામારી હજી સુધી નાબૂદ થઈ નથી

યુરોપના સ્પેનમાં લૉકડાઉન પાછું ખેંચાતાં લોકો જૂથમાં બીચ પર જઈને કવાયત કરીને કે રમતો રમીને ‘આઝાદી’ની ઉજવણી કરવા લાગ્યા છે. બાર્સેલોના તથા મૅડ્રિડ સહિત ઘણાં સ્થળે આવો માહોલ હતો. એ.એફ.પી.

સ્પેનના નાગરિકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારીઓને ધ્યાનમાં રાખ્યા વિના છ મહિનાના લૉકડાઉનના અંતની ઉજવણી કરતાં એક અગ્રણી નિષ્ણાતે ચેતવણી ઉચ્ચારી હતી કે કોરોના વાઇરસ મહામારી હજી સુધી નાબૂદ થઈ નથી.

સ્પેનની એપિડેમિઓલૉજિકલ સોસાયટીના પ્રમુખ એલેના વિનેસા માર્ટિનેઝે ચેતવણી આપી હતી કે હજી પણ ઘણા લોકો સંક્રમિત છે, જેઓ વાઇરસનો ચેપ લગાડી શકે છે. તેમણે નોંધ્યું હતું કે ‘આ સ્થિતિમાં મને ઇમર્જન્સીના અંત સાથે મોકલવામાં આવેલા સુરક્ષાના ખોટા સંકેતથી તથા નાઇટ કરફ્યુના અંતથી હું ચિંતિત છું.’

સ્પેનમાં દેશવ્યાપી રાત્રિ કરફ્યુ સહિતનાં મોટા ભાગનાં નિયંત્રણો રવિવારે મધરાતે ઉઠાવી લેવાયાં હતાં. રાત્રિ કરફ્યુ ઘણી જગ્યાએથી ઉઠાવી લેવાયો હોવા છતાં હજી કેટલાંક સ્થળોએ પ્રવર્તે છે.

સ્પેનમાં દોઢ વર્ષમાં કુલ ૩૬ લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે અને ૭૯,૦૦૦ જેટલા લોકોના જાન ગયા છે.

spain coronavirus covid19 international news