ભૂકંપ સમયે પણ ચૅનલને ઇન્ટરવ્યુ આપતાં રહ્યાં ન્યુઝીલૅન્ડનાં વડા પ્રધાન

26 May, 2020 10:07 AM IST  |  Wellington | Agencies

ભૂકંપ સમયે પણ ચૅનલને ઇન્ટરવ્યુ આપતાં રહ્યાં ન્યુઝીલૅન્ડનાં વડા પ્રધાન

ન્યુ ઝીલૅન્ડ વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન

ન્યુ ઝીલૅન્ડની રાજધાની વૅલિંગ્ટનમાં સોમવારે સવારે ૫.૬ની તીવ્રતાનો મોટો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, પરંતુ વડા પ્રધાન જેસિંડા આર્ડર્ન ટસનાં મસ નહોતાં થયાં. ન્યુ ઝીલૅન્ડના પીએમ જેસિંડા આર્ડર્ન ખુરશી પર બેઠાં રહ્યાં અને ટીવી ચૅનલ પર લાઇવ ઇન્ટરવ્યુ ચાલુ રાખ્યો. ભૂકંપ દરમ્યાન ઇન્ટરવ્યુ લેતા પત્રકાર રયાન બ્રિજને વચ્ચે રોકીને તેમણે સંસદ પરિસરમાં શું થઈ રહ્યું હશે તે જાણ્યું હતું.

ઈન્ટરવ્યુ દરમ્યાન વડા પ્રધાન આર્ડર્ને કહ્યું, રયાન અહીંયા ભૂકંપ આવ્યો છે. આપણને તેના ઝટકા અનુભવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા રૂમમાં રહેલી ચીજો હલતી જોઈ શકાય છે. ભૂકંપના ઝટકા અટક્યા બાદ તેમણે પત્રકારને કહ્યું, હવે ભૂકંપ થંભી ગયો છે. આપણે ઠીક છીએ રયાન, હવે લાઇટ હલતી બંધ થઈ ગઈ છે. મને લાગે છે કે આપણે એક મજબૂત બિલ્ડિંગમાં બેઠા છીએ.

અમેરિકાએ બ્રાઝિલથી આવનારા પેસેન્જર્સ પર પ્રતિબંધ મૂકી દીધો

અમેરિકા કોરોના વાઇરસના વધતા કેરને જોતાં બ્રાઝિલથી આવનારા પેસેન્જર પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રાઝિલમાં દરરોજ કોરોના વાઇરસના કેસમાં રેકૉર્ડબ્રેક ઉછાળો નોંધાઈ રહ્યો છે તે જોતાં અમેરિકાઅે આ નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૫૦૮ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૬૫ લાખ પર પહોંચી ગઈ છે.

તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ બ્રાઝિલથી આવનારા પેસેન્જર્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. વાઇટહાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે ત્યાંથી લોકો અહીં આવે અને અમારા લોકોને સંક્રમિત કરે. હું નથી ઇચ્છતો કે ત્યાંના લોકો પણ બીમાર પડે. અમે વેન્ટિલેટર મોકલીને બ્રાઝિલની મદદ કરી રહ્યા છીએ. બ્રાઝિલ મુશ્કેલીમાં છે.

new zealand international news earthquake covid19