કોરોના વૅક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી સંક્રમણનું જોખમ વધી શકે

13 June, 2021 12:45 PM IST  |  Washington | Agency

અમેરિકાના કોરોના એક્સપર્ટ ડૉ. એન્થની ફાઉચીનું મોટું નિવેદન

ડૉ. એન્થની ફાઉચી

અમેરિકાના કોરોના એક્સપર્ટ અને રાષ્ટ્રપતિના મેડિકલ એડવાઇઝર ડૉક્ટર એન્થની ફાઉચીએ કહ્યું કે વધુ લોકોને વૅક્સિન ન લાગી હોય તો ડેલ્ટા વેરિઅન્ટવાળા કોઈ પણ દેશમાં ચિંતા થવી વાજબી છે. તેમણે આ વાત એક ન્યુઝ ચૅનલ સાથેની વાતચીત દરમ્યાન કહી છે. તેમણે કહ્યું કે કોરોના વૅક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાથી લોકોની વાઇરસના વેરિઅન્ટના સકંજામાં આવવાની સંભાવના વધી શકે છે. ડૉ. ફાઉચીએ અમેરિકામાં કોરોના વૅક્સિન વચ્ચેના અંતરને લઈ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ વાત કહી.

ઉલ્લેખનીય છે કે ફાઇઝરની વૅક્સિન માટે બે ડોઝ વચ્ચેનું અંતર ૩ અઠવાડિયાં અને મોડર્નાની વૅક્સિન વચ્ચેનું અંતર ૪ અઠવાડિયાંનું છે. જોકે ડૉ. ફાઉચીએ કહ્યું કે કોરોનાની વૅક્સિન વચ્ચેનું અંતર એવી સ્થિતિમાં સારું છે જ્યારે કોઈ દેશ વૅક્સિન પૂરી પાડવાને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય. ડૉક્ટર ફાઉચી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના મેડિકલ સલાહકાર પણ છે.

જણાવી દઈએ કે ગયા મહિને ભારતની મોદી સરકારે એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ૬-૮ અઠવાડિયાંથી વધારીને ૧૨-૧૬ અઠવાડિયાંનું કર્યું હતું. 

ડૉ. ફાઉચીએ અમેરિકામાં કોરોના વાઇરસની સ્થિતિને લઈ કહ્યું કે કોરોના વાઇરસ વૅક્સિનેશનને લઈ અમેરિકા સારી કામગીરી કરી રહ્યું છે. 
ડેલ્ટા વેરિઅન્ટને લઈ તેમનું કહેવું છે કે આ સ્ટ્રેન ભારતનાં ઘણાં રાજ્યોમાં જોવા મળ્યો છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે દેશમાં આ વેરિઅન્ટ છે તેણે આનાથી છુટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરવાની જરૂર છે.

united states of america washington coronavirus covid19 covid vaccine vaccination drive international news