વિજય માલ્યાએ કહ્યું,'હું બેન્કને કહું છું પૈસા લઈ લો'

03 July, 2019 06:57 PM IST  | 

વિજય માલ્યાએ કહ્યું,'હું બેન્કને કહું છું પૈસા લઈ લો'

9 હજાર કરોડના કૌભાંડ મામલે વિજય માલ્યાને રાહત

લંડનની હાઈકોર્ટે 9 હજાર કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી વિજય માલ્યાને રાહત આપી છે. વિજય માલ્યાએ ગૃહ વિભાગની પ્રત્યાર્પણ અરજી વિરુદ્ધ કરેલી અપીલ કોર્ટે સ્વીકારી છે. કાયદાના નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે આ કેસમાં હાઈકોર્ટમાં ફરી એકવાર સુનાવણી થશે. જો વિજય માલ્યાને અહીં રાહત મળી તો ઠીક, નહીં તો તેની પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો પણ વિકલ્પ ખુલ્લો છે.

કોર્ટના ચુકાદા બાદ માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું,'ભગવાન મહાન છે અને ન્યાય થયો છે. ડિવિઝન બેન્ચે વેસ્ટમિન્સ્ટર કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે CBIએ મારા વિરુદ્ધ જે આરોપ લગાવ્યા તે ખોટા છે.'

પોતાના બીજા ટ્વિટમાં વિજય માલ્યાએ કહ્યું કે કોર્ટનો નિર્ણય મારા પક્ષમાં આવ્યો છે, તેમ છતાંય ભારતીય બેન્કોને મારી અપીલ છે કે તેઓ મને લોન ચૂકવવા દે. કિંગફિશર એરલાીન પર જેટલું દેવું છે તે ચૂકવવા હું તૈયાર છું. બેન્કો ઉપરાંત હું કિંગફિશરના કર્મચારીઓનો પગાર આપવા પણ તૈયાર છું.

ત્રીજા ટ્વિટમાં માલ્યાએ કહ્યું છે કે આ કેસમાં મારી મજાક બનાવવામાં આવી છે. હું આ કેસના તમામ પક્ષકારોને કહેવા ઈચ્છું છું કે ડિવિઝન બેન્ચના નિર્ણય પર ધ્યાન આપો. જેમાં મને કેસ બનાવવા માટે જે પુરાવા આપ્યા છે, તેના પર ફરી અપીલ કરવાની તક અપાઈ છે.

વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટે ભારતની એજન્સીઓ લાંબા સમયથી મહેનત કરી રહી છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનમાં અપીલ કરવામાં આવી છે, જો આ અપીલ રદ થઈ જાય તો પણ ભારત પાસે આંતરરાષ્ટ્રીય કોર્ટ કે પછી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે જવાનો વિકલ્પ છે.

ઉલ્લેખનીય છે લંડનની એક અદાલતે વિજય માલ્યાને ભારતના પૈસાનો ગોટાળો કરીને ફરાર થવાના કેસમાં ભારતને પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ માલ્યાએ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તે માગ ફગાવી હતી.

vijay mallya gujarati mid-day