17 October, 2026 01:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્ટાફિંગ ફર્મ ‘એક્સફેનો’ (Xpheno)ના ડેટા અનુસાર ૨૦૨૬માં સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૨,૭૦૦ જેટલા ટેક પ્રોફેશનલ્સ અમેરિકાથી ભારત પાછા ફર્યા છે. વર્ષના અંતે આ ૨૦૨૫ના ૧૫,૧૦૦ના રેકૉર્ડને પણ વટાવી જવાની શક્યતા છે. આ રિવર્સ માઇગ્રેશનમાં અમેરિકાથી વાઇટ કૉલર પ્રોફેશનલો ભારત આવી રહ્યા છે. ૨૦૨૩માં ૭૨૦૦ અને ૨૦૨૪માં ૯૮૦૦ ટેક પ્રોફેશનલો ભારત પાછા ફર્યા હતા.
અમેરિકામાં H-1B વીઝાના નિયમો અને ઇમિગ્રેશન નીતિમાં ફેરફારના પગલે આ રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે. અમેરિકામાં નોકરીમાં અનિશ્ચિતતા વધી છે. વળી લગાતાર નોકરીઓમાં છટણી થઈ રહી છે. પર્મનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) અને ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં અડચણોના કારણે ભારતીય પ્રોફેશનલો ભારત પાછા આવવાનું પસંદ કરે છે.
જોકે ભારત પાછા ફરવાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમને ભારતમાં અમેરિકાની સરખામણીમાં પચીસથી ૩૩ ટકા જેટલું ઓછું વેતન મળે છે. પ્લાનિંગ વિના ભારત આવવાથી નોકરી મળવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. જોકે કેટલાક પ્રોફેશનલો ભારતના ટેક સેક્ટર, સ્ટાર્ટઅપ્સ અને ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC)ને પહેલાં કરતાં વધુ મજબૂત માને છે જેમાં તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ છે.