મહામારીના સમયમાં ભારતની સાથે છીએ, વેન્ટીલેટર દાન કરશું: ડોનાલ્ડ ટ્રમ્પ

16 May, 2020 12:03 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

મહામારીના સમયમાં ભારતની સાથે છીએ, વેન્ટીલેટર દાન કરશું: ડોનાલ્ડ ટ્રમ્પ

ફાઈલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામેની લડાઈમાં ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્વની ગણાવતા શુક્રવારે કહ્યું હતું કે, મને આ જાહેરાત કરતા ગર્વ થાય છે કે અમેરિકા તેના મિત્ર ભારતને વેન્ટિલેટર ડોનેટ કરશે. મહામારીના સમયમાં અમે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે કોરોનાની રસી બનાવવાની દિશામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. બન્ને દેશ સાથે મળી આ અદ્રશ્ય દુશ્મનને હરાવશે.

ટ્રમ્પે શુક્રવારે વ્હાઈટ હાઉસના ગાર્ડનમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે, હું તાજેતરમાં જ ભારતની યાત્રાથી પરત આવ્યો હતો. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તે પૈકી કેટલાક લોકો વેક્સીન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા છે.

ભારતે એપ્રિલમાં કોરોના સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે હાઈડ્રોક્સોક્લોરોકીન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો. આ અંગે ટ્રમ્પે નરેન્દ્ર મોદીના નેતૃત્વને મજબૂત ગણાવતા પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, કોરોનાની રસી પ્રજા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ થાય તે બાબતે અમે વિચાર કરી રહ્યાં છીએ. મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસિત કરી લેવામાં આવશે. સામાન્ય રીતે દવા કંપનીઓ આવશ્યક મંજૂરી મળ્યા બાદ જ રસી તૈયાર કરી શકાય છે. જેમા બહુ સમય લાગી જાય છે. ટીમની સરળતા માટે અમારી સરકાર રસી તૈયાર કરનારી ટીમના રિસર્ચ પર પણ ખર્ચ કરશે અને સાથે તમામ મંજૂરી પણ અપાવશે.

અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 88,000 વધારે થઈ ગઈ છે. 14,84,285 લોકો સંક્રમિત છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક માં 27,000થી વધારે લોકોના જીવ ગયા છે. જ્યારે 3,56,000થી વધારે લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં 13 જૂન સુધી સ્ટે-એટ-હોમ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

coronavirus covid19 united states of america donald trump india narendra modi