29 May, 2025 11:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના પ્રશાસને વિશ્વભરનાં અમેરિકન દૂતાવાસોને સ્ટુડન્ટ્સ-વીઝા માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યુલ ન કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે અમેરિકા નવા વિદેશી સ્ટુડન્ટ્સનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પણ ચેક કરવાની યોજના બનાવી રહ્યું છે. વિદેશપ્રધાન માર્કો રુબિયોના આદેશના પગલે આમ કરવામાં આવ્યું છે. આ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી સ્ટુડન્ટ્સને રજિસ્ટર નહીં કરવાનો આદેશ આપ્યો હતો.
આ પગલાથી સ્ટુડન્ટ્સની વીઝા-પ્રક્રિયાને ભારે નુકસાન થઈ શકે છે અને ઘણી અમેરિકન યુનિવર્સિટીઓને પણ નુકસાન થઈ શકે છે. આ યુનિવર્સિટીઓ નાણાકીય સધ્ધરતા માટે વિદેશી સ્ટુડન્ટ્સનાં ઍડ્મિશન પર ખૂબ આધાર રાખે છે.
પ્રશાસનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જરૂરી સોશ્યલ મીડિયા સ્ક્રીનિંગ અને વેટિંગના વિસ્તરણની તૈયારીમાં કૉન્સ્યુલર વિભાગોએ કોઈ પણ વધારાના સ્ટુડન્ટ્સ અથવા એક્સચેન્જ વિઝિટર (F, M, અને J) વીઝા અપૉઇન્ટમેન્ટ ન આપવી જોઈએ.
ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સામે જેમણે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હોય એવું માનવામાં આવતા સ્ટુડન્ટ્સ માટે ટ્રમ્પ પ્રશાસને સોશ્યલ મીડિયા સ્ક્રીનિંગ આવશ્યકતાઓ લાદી હતી. ફેડરલ સરકારે એપ્રિલમાં એમ પણ કહ્યું હતું કે તેઓ ઇમિગ્રન્ટ્સ અને વીઝા અરજદારોની સોશ્યલ મીડિયા પ્રવૃત્તિની પણ તપાસ કરશે, જેને અમેરિકા યહૂદી-વિરોધી પ્રવૃત્તિ કહે છે.