19 May, 2025 11:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં યુએસ દૂતાવાસે અમેરિકાની મુસાફરી કરતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન નિયમો કડક બનાવવામાં આવ્યા છે જે હેઠળ ગેરકાયદે ઇમિગ્રેશન અને વીઝા છેતરપિંડી રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી નીતિ હેઠળ ૩૦ દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહેતા લોકોએ નોંધણી કરાવવી જરૂરી છે. અમેરિકા જવાનું સપનું જોનારા લોકો માટે અમેરિકન દૂતાવાસ દ્વારા એક ઍડ્વાઇઝરી આપવામાં આવી છે. એમાં જણાવાયું છે કે જો તમે નિર્ધારિત સમયમર્યાદાથી વધુ સમય માટે અમેરિકામાં રહેશો તો તમને દેશનિકાલ કરવામાં આવશે અને અમેરિકામાં તમારા પ્રવેશ પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવશે. જોકે આ ચેતવણી અમેરિકા દ્વારા ફક્ત ભારતીયો માટે જ જાહેર કરવામાં આવી નથી. આ ચેતવણી અમેરિકાની મુસાફરી કરતા દરેક દેશના નાગરિકો માટે છે. વર્ક વીઝા, સ્ટુડન્ટ વીઝા અને ટૂરિસ્ટ વીઝા પર મુસાફરી કરતી દરેક વ્યક્તિ માટે આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.