હવે ‘ગુપ્ત ઓમાઇક્રોન’થી દુનિયાને ખતરો?

23 January, 2022 10:00 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોનના નવા સબ-વેરિઅન્ટે ચિંતા વધારી : યુકે, ડેન્માર્ક, નોર્વે અને સ્વીડનમાં BA.2ના કેસ આવ્યા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસમાં મ્યુટેશન્સ સતત ચિંતાનો વિષય છે. ઓમાઇક્રોનથી દુનિયાને છુટકારો મળ્યો નથી ત્યાં જ એના નવા સબ-વેરિઅન્ટે ચિંતા વધારી છે. યુકેમાં હેલ્થ ઑથોરિટીઝે આ સબ વેરિઅન્ટ BA.2ને ‘તપાસ હેઠળનો વેરિઅન્ટ’ ગણાવ્યો છે જે ‘ચિંતા જગાવતો વેરિઅન્ટ’ જાહેર કરતાં પહેલાં તપાસનું શરૂઆતનું પગલું છે. ઑરિજિનલ ઓમાઇક્રોન BA.1 અત્યારે ચિંતા જગાવતો વેરિઅન્ટ છે. યુકેમાં BA.2ની ૫૩ સીક્વન્સિસની ઓળખ કરવામાં આવી છે. 
ઓમાઇક્રોનના કેટલા સબ-વેરિઅન્ટ્સ છે?
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર ઓમાઇક્રોન વેરિઅન્ટના ત્રણ સબ-વેરિઅન્ટ્સ BA.1, BA.2 અને BA.3 છે. ઓમાઇક્રોનના ૯૯ ટકા કેસ BA.1 સબ-વેરિઅન્ટના છે. 
BA.2ના કેસ ક્યાં ડિટેક્ટ થયા છે?
યુકે સિવાય ડેન્માર્ક, નોર્વે અને સ્વીડનમાં પણ BA.2ના કેસ આવ્યા છે. ફ્રાન્સ અને ઇન્ડિયામાં પણ સાયન્ટિસ્ટ્સે BA.2 સબ વેરિઅન્ટના ઝડપી ફેલાવાની ચેતવણી આપી છે. ખાસ કરીને ડેન્માર્કમાં સિચ્યુએશન ખરાબ છે કે જ્યાં BA.2ના કેસ નોંધપાત્ર પ્રમાણમાં આવી રહ્યા છે. 
BA.2 વર્સેસ BA.1 વર્સેસ BA.3
સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે આ નવો વેરિઅન્ટ આગામી મહિનાઓમાં ચિંતા જગાવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વૅક્સિન સેફ્ટી નેટના મેમ્બર વિપિન એમ વશિષ્ઠે જણાવ્યું હતું કે BA.2 અને BA.1માં એકસમાન ૩૨ મ્યુટેશન્સ છે, પરંતુ BA.2ના પોતાના ૨૮ યુનિક મ્યુટેશન્સ પણ છે. BA.3 સબ-વેરિઅન્ટ BA.1 જેવો છે. ડેન્માર્કની સરકારે જણાવ્યું હતું કે BA.1ની સરખામણીમાં BA.2ના કેસમાં હૉસ્પિટલાઇઝેશનની સ્થિતિમાં કોઈ 
ફરક નથી. 

આ સબ-વેરિઅન્ટને શા માટે ‘ગુપ્ત ઓમાઇક્રોન’ કહેવામાં આવ્યો?

સાયન્ટિસ્ટ્સે જ્યારે ઓમાઇક્રોન વેરિઅન્ટની શોધ કરી હતી ત્યારે તેમણે નોંધ્યું હતું કે એના ઑરિજિનલ વેરિઅન્ટ BA.1માં એક મ્યુટેશન છે. જે ‘એસ’ કે સ્પાઇક જિનની ગેરહાજરીના સ્વરૂપમાં છે. જોકે સબ-વેરિઅન્ટ BA.2માં એવું મ્યુટેશન નથી, જેના કારણે જ તેને ‘ગુપ્ત ઓમાઇક્રોન’ કહેવામાં આવે છે.  

coronavirus covid19 Omicron Variant international news united kingdom