કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી ફેલાયો હોવાની અટકળમાં દમ નથી: ડબ્લ્યુએચઓ

01 April, 2021 11:32 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

ચીને આ અહેવાલને કોરોનાનાં મૂળ જાણવાની દિશામાં પ્રથમ પગલું ગણાવતાં સ્ટડી ટીમને પૂર્ણ સહકારની ખાતરી આપી હતી

ઇટાલીના રોમ શહેરની કૅમ્પસ બાયો-મેડિકો યુનિવર્સિટી હૉસ્પિટલમાં ગઈ કાલે સ્નિફર ડૉગને પસીનો સૂંઘીને કોવિડ-19 સંબંધિત અગત્યની માહિતી શોધી કાઢવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી (તસવીર: એ.એફ.પી.)

કોરોના વાઇરસની પેદાશ અને પ્રસારનાં મૂળ વિશે તપાસ અને સંશોધન કરતી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની ટુકડીએ એવો મત દર્શાવ્યો હતો કે ‘આ નવતર વિષાણુ ચામાચીડિયામાંથી અન્ય પશુના માધ્યમથી માણસોમાં ફેલાયો હોવાની શક્યતાઓ તપાસવાને લાયક છે, પરંતુ એ વાઇરસને લૅબોરેટરીમાંથી ફેલાવવામાં આવ્યો હોવાની અટકળોમાં તથ્ય નથી.’

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અભ્યાસ માટેના ટીમ-લીડર પીટર બેન એમ્બારેકે મંગળવારે પ્રકાશિત કરેલા સંશોધનના પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું હતું કે ‘અમને પ્રથમદર્શી રીતે વાઇરસના લૅબોરેટરી લીકેજની થિયરીમાં તથ્ય જણાયું નથી. તેમ છતાં, હજી કોઈ પણ અનુમાનો કરી શકાય છે.’

ચીને આ અહેવાલને કોરોનાનાં મૂળ જાણવાની દિશામાં પ્રથમ પગલું ગણાવતાં સ્ટડી ટીમને પૂર્ણ સહકારની ખાતરી આપી હતી. જોકે પ્રાથમિક અહેવાલના પ્રકાશન પછી અમેરિકા તથા અન્ય ડઝનેક દેશોએ અભ્યાસ બાબતે ચિંતા અને શંકા વ્યક્ત કરી હતી. ચીનનું નામ લીધા વગર પ્રાથમિક અહેવાલના પ્રકાશનમાં વિલંબ તેમ જ સૅમ્પલ્સ અને ડેટા ઉપલબ્ધ નહીં કરાવવાનું વલણ વાંધાજનક હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ ચીને ટીકાઓના જવાબમાં રોગચાળાને રાજકારણ ખેલવાનો વિષય બનાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વાઇટ હાઉસનાં પ્રવક્તા જેન પસાકીએ જણાવ્યું હતું કે ‘બાઇડન પ્રશાસન હજી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આ પ્રાથમિક અહેવાલની સમીક્ષા કરે છે. એમાં મહત્ત્વની માહિતી અને વિગતો નથી. એ ઉપરાંત માહિતી-વિગતોની ઉપલબ્ધતા સુધી પહોંચવાના માર્ગો ખોલવામાં આવ્યા નથી. અહેવાલમાં પારદર્શકતાનો પૂર્ણ અભાવ છે.’

coronavirus covid19 international news world health organization