ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં પાંચ દાયકાનું સૌથી ભયાનક પૂર

22 March, 2021 11:27 AM IST  |  Mumbai | Agency

શુક્રવાર સુધી ૧૧.૮ ઇંચ વરસાદ પડતાં ૧૦૦ વર્ષમાં એક વાર જોવા પડે એવાં પૂર આવ્યાં

નેપિયન નદી ઓવરફ્લો થતાં સિડની શહેરનાં ડૂબેલાં સાઇન-બોર્ડ. એ.એફ.પી.

ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સમાં રવિવારે છેલ્લા પાંચ દાયકામાં ક્યારેય ન આવ્યું હોય તેવા પૂરને કારણે લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે શનિવાર રાત સુધી ૬૪૦ ફોન-કૉલના જવાબ આપ્યા હતા અને તે પૈકી ૬૬ કૉલ પૂરથી બચાવવા માટેના હતા. ઑસ્ટ્રેલિયાના આ રાજ્યમાં ભારે પૂરને પગલે સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મધ્ય ઉત્તર કાંઠેથી અનેક જગ્યાએ રેસ્ક્યુ માટેના આદેશ આપવામાં આવ્યા હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
અતિભારે વરસાદને પગલે આ વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે અને ૧૦૦ વર્ષમાં એકવાર જોવા મળે તેવું ભયાવહ પૂર હાલ આ સ્થળે જોવા મળી રહ્યું છે.
પશ્ચિમ સિડનીના કેટલાક ભાગમાં શુક્રવાર સુધીમાં ૧૧.૮ ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી અનેક સ્થળે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રવિવારે અહીંનો વારાગામ્બા ડૅમ ઓવરફ્લો થતાં રાજ્યમાં ૧૩
જેટલાં રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. આગામી સમયમાં પણ હવામાન ખરાબ રહેવાની આગાહીને કારણે અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક તંત્ર લોકોને પાણી ભરાયાં હોય તેવાં સ્થળે નહીં જવા વિનંતી કરી રહ્યું છે. પાણીનું વહેણ વધુ હોવાથી લોકોના જીવનું જોખમ રહેલું છે. નીચાણાવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત રેસ્ક્યુ કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે.

australia international news