ભારતે પૂરી તૈયારી સાથે ૮૦ ઍરક્રાફ્ટની મદદથી હુમલો કર્યો

09 May, 2025 07:00 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું...

ગઈ કાલે પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે આર્મી, ઍર ફોર્સ, નેવીના ટોચના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

ભારતના ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનની જનતાને કરેલા રાષ્ટ્રીય સંબોધનમાં જણાવ્યું હતું કે ‘ભારતે સંપૂર્ણ તૈયારી સાથે હુમલો કર્યો હતો અને તેઓ ૮૦ ઍરક્રાફ્ટ સાથે આવ્યા હતા. ભારતે અંધારાનો લાભ લઈને કાયરતા બતાવી છે. આ હુમલો માત્ર સૈન્ય નહીં પણ અમારી સંપ્રભુતા અને ગરિમા પર ચોટ સમાન છે.’

શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તેઓ ટૂર્કીની યાત્રા પર હતા ત્યારે ઍર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને એમાં સામાન્ય નાગરિકો, પુરુષો, મહિલાઓ અને બાળકોનાં મૃત્યુ થયાં છે. શાહબાઝ શરીફે સંબોધનમાં વારંવાર દાવો કર્યો કે આ પાકિસ્તાન માટે જીત છે.

શાહબાઝ શરીફે ફ્રાન્સ સાથેના ભારતનાં ૨૬ રફાલ ફાઇટર જેટ ખરીદવાના સોદાની પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે દરરોજ અમને માહિતી મળતી હતી કે ભારતીય વિમાનો પાકિસ્તાન પર હુમલો કરશે.

શાહબાઝ શરીફે બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજૅક કરવાની ઘટનામાં ભારતને સંડોવવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં ભારતનો હાથ હતો. આ હાઇજૅક કાંડના સમર્થકોને ભારત સાથે સારા સંબંધો હતા. ઇસ્લામાબાદ પાસે નવી દિલ્હીની સંડોવણીના પુરતા પુરાવા છે.’

યુદ્ધ થોપવામાં આવશે તો જવાબ પણ આપીશું

ભારતની ઍર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું કે ‘પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ કાયરતાપૂર્ણ હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પર આ યુદ્ધ થોપવાના કૃત્યનો શક્તિશાળી જવાબ આપવાનો પૂરો અધિકાર છે અને એનો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની સેના અને જનતા એકજૂટ છે અને દેશનું મનોબળ ઊંચું છે. પાકિસ્તાની સેના અને રાષ્ટ્ર દુશ્મન સાથે કેવી રીતે નિપટવું એ જાણે છે. અમે કદી પણ એના નાપાક ઇરાદાઓને સફળ નહીં થવા દઈએ.’

operation sindoor narendra modi pakistan Pakistan occupied Kashmir Pok india international news news world news