17 August, 2026 01:19 PM IST | Kyiv | Gujarati Mid-day Online Correspondent
લક્ષ્મી મિત્તલની ફાઇલ તસવીર
રશિયા (Russia) અને યુક્રેન (Ukraien) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રશિયન દળોએ યુક્રેનના ક્રિવી રીહ (Kryvyi Rih) સ્થિત `આર્સેલર મિત્તલ` સ્ટીલ પ્લાન્ટ (ArcelorMittal steel plant) પર મિસાઈલ હુમલો કર્યો છે. ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal) ની માલિકી ધરાવતા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) ના વતન ગણાતા આ શહેરના પ્લાન્ટ પર થયેલા હુમલામાં ૨ કર્મચારીઓના મોત નિપજ્યા છે અને ૧૪ અન્ય ઘાયલ થયા છે. આ હુમલાથી પ્લાન્ટની વીજ પૂરવઠા વ્યવસ્થા અને બ્લાસ્ટ ફર્નેસ યુનિટને ગંભીર ક્ષતિ પહોંચતા ઉત્પાદનનો કેટલોક હિસ્સો બંધ કરવાની ફરજ પડી છે.
રશિયાનો આ પ્રહાર યુક્રેન દ્વારા કરવામાં આવેલા વ્યાપક ડ્રોન હુમલાના જવાબરૂપે સામે આવ્યો છે. યુક્રેને રાતોરાત રશિયાના વિવિધ વિસ્તારો તરફ સેંકડો ડ્રોન છોડ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમણે દેશભરમાં ૮૨૨ યુક્રેનિયન ડ્રોનને આંતરીને નષ્ટ કર્યા હતા. મોસ્કો ક્ષેત્રના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે તેને તાજેતરના સમયનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને ઉમેર્યું કે મોસ્કો તરફ આવતા ૬૦૦ ડ્રોનમાંથી ત્રીજા ભાગના ડ્રોન મોસ્કો ક્ષેત્ર ઉપર જ પાડી દેવાયા હતા. આ ડ્રોન હુમલામાં રશિયામાં કુલ ૬ લોકોના મોત થયા છે, જેમાં મોસ્કો ક્ષેત્રમાં ઘર પર ડ્રોન પડવાથી એક ૮૩ વર્ષીય વૃદ્ધ અને દક્ષિણ-પશ્ચિમ રોસ્ટોવ ક્ષેત્રમાં ૧૫૦થી વધુ ડ્રોનના હુમલામાં ૫ લોકો સમાવિષ્ટ છે.
યુક્રેને છેલ્લા એક મહિનામાં રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલર કંપની વાઇલ્ડબેરીઝ સાથે જોડાયેલા આશરે ૨૦ ગોડાઉનો અને ઇમારતોને નિશાન બનાવી છે. તાજેતરના હુમલામાં રશિયાની સૌથી ધનિક મહિલા તાત્યાના કિમની માલિકી ધરાવતી આ કંપનીના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. `ધ ગાર્ડિયન`ના અહેવાલ મુજબ, યુક્રેને ૨૦૨૬માં પોતાની લાંબા અંતરની ડ્રોન ક્ષમતા વધારીને રશિયન સરહદથી ૧,૫૦૦ માઈલ દૂર સુધી હુમલા કરવાની ક્ષમતા મેળવી લીધી છે. યુક્રેન રશિયાની સપ્લાય ચેઈન, ઓઈલ રિફાઇનરીઓ, બંદરો અને સૈન્ય ઠેકાણાઓ પર દબાણ લાવવા આ રણનીતિ અપનાવી રહ્યું છે.
વળતા પ્રહારમાં રશિયાએ કિવ, ઝાપોરિઝ્ઝિયા, સુમી અને ડોનેત્સ્કમાં મિસાઈલ અને ડ્રોનથી નાગરિક વિસ્તારો પર હુમલા કર્યા છે. કિવમાં પોચાઇના મેટ્રો સ્ટેશન નજીક પુસ્તક બજાર અને દુકાનોમાં આગ લાગતા ૬ લોકો ઘાયલ થયા હતા. દરમિયાન, યુદ્ધની જ્વાળા પડોશી દેશો સુધી વિસ્તરી છે; મોલ્ડોવા તરફથી રોમાનિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા એક શંકાસ્પદ રશિયન ડ્રોનને નાટો મિશનના સ્પેનિશ F-18 ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયા નાગરિક માળખાને લક્ષ્ય બનાવી રહ્યું છે. તેમણે માહિતી આપી કે છેલ્લા એક અઠવાડિયામાં રશિયાએ ૧,૫૫૦થી વધુ ડ્રોન, ૧,૫૬૦ ગાઈડેડ બોમ્બ અને ૬૨ મિસાઈલો છોડી છે. હવામાં ધીમે આવતા ડ્રોન સામે યુક્રેન સફળ રહે છે, પરંતુ ઝડપી બેલિસ્ટિક મિસાઈલો સામે રક્ષણ મેળવવા તેણે અમેરિકા અને યુરોપિયન દેશો પાસે વધુ પેટ્રિઓટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઈલો તાત્કાલિક મોકલવા અપીલ કરી છે.