‘હંમેશ માટે અમારા નાગરિકો’ : પુતિને યુક્રેનના ચાર પ્રદેશોને રશિયામાં વિલય કર્યા

01 October, 2022 09:01 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

મૉસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં પુતિને ચેતવણી આપતાં કહ્યું હતું કે ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોનના લોકો હવે રશિયન નાગરિક થઈ ગયા છે

ફાઇલ તસવીર

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂકીને યુક્રેનના ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કરવાના ઑફિશ્યલ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. આ ચાર પ્રદેશો પર રશિયન દળોનો કબજો છે. મૉસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં પુતિને ચેતવણી આપતાં કહ્યું હતું કે ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોનના લોકો હવે રશિયન નાગરિક થઈ ગયા છે. જો એના પર હુમલો થશે તો એને રશિયા પર હુમલો માનવામાં આવશે. રશિયા પોતાના નાગરિકો અને એની અખંડિતતાના રક્ષણ માટે સમગ્ર તાકાતથી જવાબ આપશે. રશિયા આ ચાર પ્રદેશો પરનું નિયંત્રણ નહીં છોડે. 

તેમણે પશ્ચિમી દેશો પર જર્મનીમાં રશિયન ગૅસ પાઇપલાઇન્સને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે પશ્ચિમી દેશ રશિયાને ‘કૉલોની’ બનાવવા ઇચ્છે છે. પશ્ચિમી દેશો રશિયાને નબળું પાડવા અને એના ભાગલા પાડવા માટે નવી તકો શોધી રહ્યા છે. 

નોંધપાત્ર છે કે રશિયાએ ૨૩થી ૨૭મી સપ્ટેમ્બર દરમ્યાન ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોનમાં જનમતસંગ્રહ કરાવ્યો હતો. જેના પછી દાવો કરાયો હતો કે આ ચારેય પ્રદેશોના મોટા ભાગના લોકોએ રશિયાની સાથે જવા માટે વોટ આપ્યો છે. 

દરમ્યાન યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈ કાલે નાટોની ફાસ્ટ-ટ્રૅક મેમ્બરશિપ માટે વિનંતી કરી હતી. ઝેલેન્સ્કીએ એક વિડિયોમાં કહ્યું હતું કે ‘આ ગઠબંધનનાં ધોરણોને સુસંગત યુક્રેન હોવાનું ઑલરેડી અમે પુરવાર કર્યું છે. નાટોમાં ઝડપી પ્રવેશ માટેની યુક્રેનની અરજી પર હસ્તાક્ષર કરીને અમે નિર્ણાયક પગલું લઈ રહ્યા છીએ.’

international news russia ukraine