યુક્રેનમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન પર કોણે હુમલો કર્યો?

21 November, 2022 10:57 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

તોપમારાથી રશિયાના કબજામાં રહેલા યુરોપના સૌથી મોટા અણુ વિદ્યુત મથકમાં હાલ તો કોઈ રેડિયેશન લીક થયું નથી, હુમલા માટે રશિયા અને યુક્રેન બન્ને એકબીજાને દોષી ગણાવી રહ્યા છે

નોર્ડ સ્ટ્રીમ ગૅસ-પાઇપલાઇનમાં થયેલો વિસ્ફોટ યુક્રેનની દુર્દશા બાબતે સહાનુભૂતિ ધરાવતા લોકો દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો સ્વીડિશ વકીલે કર્યો હતો.

યુક્રેનમાં આવેલા ઝાપોરિઝઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર તોપમારો કરવામાં આવ્યો હોવાનો દાવો રશિયાએ કર્યો છે. જોકે આ પાવર પ્લાન્ટમાંથી કોઈ રેડિયેશન લીક થયું નથી. આ હુમલા માટે રશિયા અને યુક્રેન બન્ને એકબીજાને દોષી ગણાવી રહ્યા છે. મૂળ યુક્રેનમાં આવેલો આ પાવર પ્લાન્ટ હાલ રશિયાના કબજામાં છે. રશિયન અધિકારીએ કહ્યું હતું કે ‘આ પ્લાન્ટની વિ​વિધ સુવિધાઓ પર ૧૫ સેલ છોડવામાં આવ્યા હતા. વળી શનિવારે જ નહીં, ગઈ કાલે પણ તોપમારો ચાલુ હતો. આવી સાઇટ પર કોઈ પણ પ્રકારના તોપખાનાના હુમલાથી પરમાણુ સુરક્ષા માટે ખતરો છે. પરમાણુ કચરો સંગ્રહ કરવાની સુવિધા અને તાજેતરમાં જ ઉપયોગમાં લેવામાં આવેલા પરમાણુ બળતણ ધરાવતી ઇમારતની નજીક ગોળાઓ છોડવામાં આવ્યા હતા.’

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ તરત જ આ પાવર પ્લાન્ટ પર કબજો મેળ‍વ્યો છે. ત્યાર બાદ અહીં વારંવાર હુમલાઓ કરવામાં આવે છે. યુક્રેન અને મૉસ્કો દ્વારા એકબીજા પર આક્રમણનો આરોપ મૂકવામાં આવે છે. આ યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. ૨૪ ફેબ્રુઆરીના આક્રમણ પહેલાં એ યુક્રેનના પાંચમા ભાગની વીજળી પૂરી પાડતો હતો. 

રશિયાની ગૅસ પાઇપલાઇનમાં વિસ્ફોટ
રશિયાના બીજા સૌથી મોટા શહેર અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વતન એવા સેન્ટ પીટર્સબર્ગથી લગભગ ૧૪ માઇલ દૂર ગૅસ-પાઇપલાઇનમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. ગૅસ-પા​ઇપલાઇનમાં થયેલા વિસ્ફોટની અસર ૧૦ લાખ લોકોને થઈ શકે છે. ફૉરેન્સિક નિષ્ણાતો પણ વિસ્ફોટનું કારણ જાણવા માટે સ્થળ પર ધસી ગયા હતા. આ વિસ્ફોટ યુક્રેનની દુર્દશા બાબતે સહાનુભૂતિ ધરાવતા લોકો દ્વારા થયો હોવો જોઈએ એવી આશંકા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવો દાવો કર્યો હતો કે બ્રિટિશ રૉયલ નેવીના કર્મચારીઓએ પાઇપલાઇન્સ ઉડાવી દીધી હતી. બ્રિટને આ દાવાને ફગાવી દીધો હતો તેમ જ યુક્રેનમાં રશિયાના લશ્કરને મળી રહેલી નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવા આ કાવતરું રચવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. 

international news russia ukraine