‘અવકાશમાં ફસાયો છું, પૃથ્વી પર આવીને લગ્ન કરીશ’ આવું કહી ઠગે મહિલા પાસેથી પડાવ્યા 25 લાખ

12 October, 2022 07:50 PM IST  |  Tokyo | Gujarati Mid-day Online Correspondent

જાપાનના શિગા પ્રાંતમાં રહેતી 65 વર્ષીય મહિલાનો ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે પરિચય થયો હતો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ ઘણીવાર પ્રેમમાં લોકો અંધ બની જતાં હોય છે. જો કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે તો તે સામી વ્યક્તિ પર શંકા કરવાનું પણ વિચારતી નથી, પરંતુ જો તમે જેના પ્રેમમાં પડો છો તે વ્યક્તિ ઠગ નીકળે તો? તો પછી વિચારો કે આંધળી રીતે કરેલા આ પ્રેમની કિંમત કેટલી મોટી હશે. આવું જ કંઈક જાપાનમાં એક મહિલા સાથે બન્યું છે. એક શખસે આ મહિલા સાથે 25 લાખની છેતરપિંડી કરી છે. વ્યક્તિએ દાવો કર્યો કે તે રશિયન અવકાશયાત્રી છે અને પૃથ્વી પર પહોંચવા માટે તેને પૈસાની જરૂર છે, પછી તે લગ્ન કરશે.

જાપાનના શિગા પ્રાંતમાં રહેતી 65 વર્ષીય મહિલાનો ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે પરિચય થયો હતો. વ્યક્તિની પ્રોફાઇલ અને અન્ય ફોટા પરથી તે અવકાશયાત્રી હોવાનું જણાયું હતું, જે બાદ મહિલાને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. ઠગે આનો ફાયદો ઉઠાવીને મહિલા સાથે ચેટિંગ શરૂ કરી હતી. તેણે દાવો કર્યો કે તે રશિયન અવકાશયાત્રી છે અને પૃથ્વી રહેતો નથી.

થોડા દિવસો પછી, આ વ્યક્તિએ મહિલાને કહ્યું કે તે તેને પ્રેમ કરે છે અને જાપાન આવીને તેની સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ આમાં એક સમસ્યા છે. તેણે મહિલાને કહ્યું કે તે અંતરિક્ષમાં ફસાઈ ગયો છે. લગ્ન કરવા હોય તો તેણે ધરતી પર આવવું પડશે. તેણે લાલચ આપી કે “હું જાપાન આવીશ અને તારી સાથે લગ્ન કરીશ, પરંતુ પૃથ્વી પર આવવા માટે રોકેટ લેન્ડિંગની ચૂકવણી પૈસા નથી.” આમ ઠગે મહિલાને જાળમાં ફસાવી લીધી.

પ્રેમના નામે 25 લાખની છેતરપિંડી

અવકાશમાંથી પૃથ્વી પર આવવા માટે પૈસાની જરૂર છે તેમ કહીને ઠગ મહિલાના એક-બે નહીં પણ 25 લાખ રૂપિયા લૂંટી લીધા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે જાપાનની પોલીસ આ `રોમાન્સ સ્કેમ`ની તપાસ કરી રહી છે.

international news japan russia