અમેરિકામાં સોમવારથી ૧૨,૮૭૫ કિલોમીટરની રામમંદિર રથયાત્રા

23 March, 2024 09:40 AM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

એક મહિનામાં ૪૮ રાજ્યોનાં ૮૫૧ મંદિરમાં જશે : ૨૩ એપ્રિલે હનુમાન જયંતીના દિવસે થશે સમાપન ઃ આવી જ યાત્રા કૅનેડામાં પણ

રામમંદિર રથયાત્રા

અયોધ્યામાં જાન્યુઆરીમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે અમેરિકા પણ સોમવારથી રામમય બની જશે. સોમવારે અમેરિકાના શિકાગો શહેરમાંથી રામમંદિર રથયાત્રાનો આરંભ થશે અને એક મહિનામાં આ રથયાત્રા અમેરિકાનાં ૪૮ રાજ્યોનાં ૮૫૧ મંદિરને આવરી લેશે. અમેરિકાના નાનામાં નાના મંદિરમાં આ રથયાત્રા પહોંચશે અને એક મહિના બાદ ૨૩ એપ્રિલે હનુમાન જયંતીના દિવસે ઇલિનૉઈ રાજ્યમાં શુગર ગ્રોવમાં એનું સમાપન થશે. આ રથયાત્રા આશરે ૮૦૦૦ માઇલ (આશરે ૧૨,૮૭૫ કિલોમીટર)નું અંતર કાપશે. આવી જ યાત્રા કૅનેડામાં પણ યોજાશે.

અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા માટેનો રથ ટૉયોટા સિએના વૅનમાં તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને રામભક્ત હનુમાનની મૂર્તિઓ રાખવામાં આવશે. આ સંસ્થાના મહામંત્રી અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે રથમાં અયોધ્યાના રામમંદિરનો ખાસ પ્રસાદ અને પ્રાણપ્રતિષ્ઠા સમયનો અક્ષત-પૂજિત કળશ પણ રાખવામાં આવશે. અમેરિકા સાથે કૅનેડામાં પણ આવી યાત્રા યોજાશે જે આશરે ૧૫૦ મંદિરોને આવરી લેશે. એનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદના કૅનેડા ચૅપ્ટર દ્વારા કરવામાં આવશે.

આ રથયાત્રાના ઉદ્દેશ વિશે બોલતાં હિન્દુ મંદિર એમ્પાવરમેન્ટ કાઉન્સિલનાં તેજલ શાહે જણાવ્યું હતું કે ‘હિન્દુ ધર્મ વિશે જાગૃતિ ફેલાવવા, લોકોને પ્રશિક્ષિત કરવા અને હિન્દુ ધર્મને  સશક્ત બનાવવા આ યાત્રા યોજાઈ છે. આ યાત્રા હિન્દુઓને એક કરવાનો મોકો પૂરો પાડશે અને તેઓ આ રથયાત્રામાં ભાગ લેશે એટલે હિન્દુ માન્યતાઓ અને ધર્મના પુનરુત્થાનનું માધ્યમ બનશે. આગામી જનરેશન માટે આપણે એક થવું ખૂબ જરૂરી છે.’ 

united states of america ayodhya ram mandir chicago international news