વડા પ્રધાન મોદીએ કમલા હેરિસના વખાણ કર્યા, કહ્યું ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારી પસંદગી ઐતિહાસિક

24 September, 2021 02:35 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

આ સાથે જ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પાકિસ્તાના આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠકોની શ્રેણીમાં બીજી બેઠક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે થઈ હતી, જેમાં વડાપ્રધાને કોવિડ -19 મહામારીમાં અમેરિકા દ્વારા મળેલા સહયોગમાં તેમના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ પહેલા વ્હાઇટ હાઉસમાં બંધ બારણે ચર્ચા વાત કરી હતી અને બાદમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં ભાગ લીધો હતો. મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

આ સાથે જ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પાકિસ્તાના આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું કે કોવિડ મહામારી સામેની ખૂબ જ મુશ્કેલ લડાઈમાં અમેરિકી સરકાર, કંપનીઓ અને વિદેશી ભારતીય સમુદાય ખૂબ મદદરૂપ થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી છે. અમારા મૂલ્યો સમાન છે અને અમારો સહકાર ધીમે-ધીમે વધી રહ્યો છે. “અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકેની તમારી પસંદગી ખૂબ મહત્વની અને ઐતિહાસિક ઘટના રહી છે. તમે વિશ્વભરના ઘણા લોકો માટે પ્રેરણારૂપ છો અને મને ખાતરી છે કે રાષ્ટ્રપતિ જૉ બાઇડન અને તમારા નેતૃત્વ હેઠળ અમારા દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. તેમને આમંત્રણ આપતા પીએમ મોદીએ કહ્યું “ભારતના લોકો તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું.”

આ પછી કમલા હેરિસે કહ્યું કે ભારત અમેરિકાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. જ્યારે ભારત કોવિડ -19ની બીજી લહેરથી ઝઝૂમી રહ્યું હતું, ત્યારે યુએસએ ભારતના લોકોની જરૂરિયાતો અને રસીકરણની જવાબદારીને ટેકો આપ્યો તે ગર્વની વાત છે. તેમણે કોવિડ રસીની નિકાસ ફરી શરૂ કરવાની ભારતની જાહેરાતનું સ્વાગત કર્યું અને આનંદ વ્યક્ત કર્યો કે ભારત દરરોજ લગભગ એક કરોડ લોકોને રસીકરણ કરી રહ્યું છે.

વડા પ્રધાન મોદી સાથે અમેરિકા ગયેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ વોશિંગ્ટન ડીસીમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે અંતરિક્ષ સહયોગ, માહિતી અને તંત્રજ્ઞાન, નવી અને નિર્ણાયક ટેકનોલોજી, આરોગ્ય ક્ષેત્રોમાં સહકાર સહિત ભવિષ્યના ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વડા પ્રધાન મોદી સાથે સરહદ પારના આતંકવાદ પર સંમતિ દર્શાવી હતી અને સ્વીકાર્યું કે ભારત ઘણા દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. તેણીએ આવા આતંકી જૂથો માટે પાકિસ્તાનના સમર્થન પર નજીકથી નજર રાખવાની જરૂરિયાત પર પણ સંમતિ દર્શાવી હતી.

international news narendra modi united states of america joe biden