ભારત અને ચીન વચ્ચે વૉરની તૈયારી?

17 September, 2020 01:41 PM IST  |  Mumbai | Agencies

ભારત અને ચીન વચ્ચે વૉરની તૈયારી?

પ્રતીકાત્મક તસવીર

ભારત-ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર ૪૫ વર્ષ થયા ક્યારેય કોઈ વિવાદ પર ગોળીબારની ઘટના બની નથી પરંતુ હાલમાં ચાલી રહેલા પ્રાદેશિક વિવાદને પગલે છેલ્લા ૨૦ દિવસમાં પૂર્વીય લદ્દાખમાં બન્ને દેશની સેના વચ્ચે ગોળીબારની ૩ ઘટનાઓ બની છે.
ગોળીબારની પહેલી ઘટના ૨૯થી ૩૧ ઑગસ્ટની વચ્ચે બની હતી, જ્યારે ભારતીય લશ્કરે પેંગોંગ તળાવના દક્ષિણ કિનારા નજીકની ટેકરીઓ કબજે કરવાના ચીની લશ્કરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે કે બીજો બનાવ સાતમી સપ્ટેમ્બરે મુખપારી હાઇટ્સ નજીક બન્યો હતો.
ત્રીજો બનાવ આઠમી સપ્ટેમ્બરે બન્યો હતો, જ્યારે પેંગોગ તળાવના ઉત્તરીય કાંઠા નજીક ચીની લશ્કર ઘણું આક્રમક બનતાં બન્ને દેશની સેનાએ સામસામા ૧૦૦ જેટલા ગોળીબાર કર્યા હતા.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સરહદના પ્રશ્ન વિશે શાંઘાઈ કૉર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગ માટે મૉસ્કોમાં ચીનના વિદેશ પ્રધાનને મળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

ચીને અરુણાચલની સીમા પાસે વધારી હલચલ

લદ્દાખમાં પૅન્ગૉન્ગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્ત્વનાં શિખરો પર કબજો પણ કરી લીધો છે. અહીં પીછેહઠ થયા બાદ ચીનના સૈનિક લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ના બીજા વિસ્તારોમાં તેની મૂવમેન્ટ વધારી રહ્યા છે. ચીને અરુણાચલ પ્રદેશની એલએસીના ૨૦ કિલોમીટર અંતર પર હિલચાલ વધારી દીધી છે તથા બરફાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી લીધી છે. ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે.

india china international news