11 July, 2026 09:40 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent
ઑકલૅન્ડ ઍરપોર્ટ પર ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાને નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ૬ દિવસની વિદેશયાત્રાના અંતિમ ચરણમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાથી ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યા હતા. છેલ્લાં ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી મુલાકાત છે. સૌપ્રથમ ૧૯૬૮માં ઇન્દિરા ગાંધી અને ૧૯૮૬માં રાજીવ ગાંધી ન્યુ ઝીલૅન્ડ ગયા હતા. નરેન્દ્ર મોદી ગઈ કાલે ઑકલૅન્ડના ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ખુદ હાજર રહ્યા હતા. બન્ને નેતાઓએ ગળે મળીને ઉષ્માભેર અભિવાદન કર્યું હતું. ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયના લોકોએ ભારતીય સંસ્કૃતિની ઝલક પેશ કરી હતી અને મોદી-મોદીના નારાથી માહોલ ગૂંજી ઊઠ્યો હતો.
ભારતના વડા પ્રધાનના સ્વાગત માટે ઑકલૅન્ડના સ્કાય ટાવરને તિરંગા લાઇટોથી શણગારવામાં આવ્યો હતો
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ટ્રેડ, રોકાણ, રક્ષા, એજ્યુકેશન, ટૂરિઝમ, ઍગ્રિકલ્ચર, ટેક્નૉલૉજી અને હેલ્થ સેક્ટરમાં સાથે કામ કરી રહ્યાં છે. આજે ભારત-ન્યુ ઝીલૅન્ડ દ્વિપક્ષીય વાતચીત શરૂ થશે અને ફ્રી ટ્રેડ ડીલને ફાઇનલ ઓપ આપવામાં આવશે. એ ઉપરાંત નરેન્દ્ર મોદી એક બિઝનેસ ઇવેન્ટ અને એક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. ન્યુ ઝીલૅન્ડના ભારતીય સમુદાયે ઑકલેન્ડમાં ‘કિઆ ઓરા મોદી’ એટલે કે ‘થૅન્ક યુ મોદી’ શીર્ષક સાથે કાર્યક્રમ યોજ્યો છે. એમાં નરેન્દ્ર મોદી ૪૦,૦૦૦ ભારતીયોને સંબોધિત કરશે.