પાંચથી ૧૧ વર્ષનાં બાળકો માટે સુરક્ષિત છે ફાઇઝરની વૅક્સિન

21 September, 2021 09:56 AM IST  |  Frankfurt | Gujarati Mid-day Correspondent

ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો બાદ કંપની કરશે વિવિધ દેશોના નિયામકો સમક્ષ મંજૂરી માટે દાવો

પરાગ્વેમાં જુલાઈ દરમ્યાન બાળકને આપવામાં આવતી ફાઇઝરની વૅક્સિન

ફાઇઝર અને બાયોએનટેકે કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલના પરિણામથી ખબર પડી છે કે એમની કોરોના વૅક્સિન પાંચથી ૧૧ વર્ષનાં બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આનાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધી છે. કંપનીએ કહ્યું હતું કે એ ઝડપથી આ વૅક્સિનની મંજૂરીની માંગ નિયામક સંસ્થા સમક્ષ કરશે. કંપની દ્વારા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે ૧૨ કે તથી વધુ વયના ઉંમરની સરખામણીમાં આ વૅક્સિનનો ઓછો ડોઝ બાળકોને આપવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે એ યુરોપિયન યુનિયન, અમેરિકા તથા સમગ્ર વિશ્વમાં પોતાનો આ ડેટા નિયામક સંસ્થા સામે રજૂ કરશે.  ફાઇઝર અને મૉડર્ના વૅક્સિન દુનિયાભરમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો તથા મોટાઓને આપવામાં આવી રહી છે. બાળકોને ગંભીર કોરોનાનું જોખમ ઓછું છે. પરંતુ તાજેતરમાં કોરાના વાઇરસના સૌથી વધુ ચેપી ડેલ્ટા વેરિઅન્ટે ચિંતાઓ વધારી છે.

બાળકોના રસીકરણને સ્કૂલ શરૂ કરવામાં અને રોગચાળાને નિયંત્રણ કરવાના હેતુથી મહત્ત્વનું ગણવામાં આવે છે. ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બોર્લાએ (Albert Bourla)કહ્યું હતું કે અમે આ યુવા આબાદી માટે વૅક્સિનના સંરક્ષણના વ્યાપને વધારવા માટે આતુર છે. જુલાઈ મહિનાથી બાળકોમાં કોવિડ-19ના કેસોમાં અંદાજે ૨૪૦ ટકાનો વધારો થયો છે.

બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષનાં બાળકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું

યુકેમાં સ્કૂલ જતાં ૧૨થી ૧૫ વર્ષનાં બાળકોને વૅક્સિન આપવાની ગઈ કાલથી શરૂઆત કરાઈ હતી. ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડની સ્કૂલોમાં આ સપ્તાહથી રસીકરણનો પ્રારંભ થયો છે. તો વેલ્સ અને નૉર્થન આયરલૅન્ડમાં આવતા સપ્તાહથી એની શરૂઆત થશે. સરકાર દ્વારા નૅશનલ હેલ્થ સર્વિસને કુલ ૭.૭ કરોડ વૅક્સિનની ફાળવણી કરવામાં આવે છે. થોડા દિવસોમાં સ્કૂલોને આ વૅક્સિન મોકલવામાં આવશે. એનએચએસ દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોના પેરન્ટ્સને આ મામલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સ્કૂલ દ્વારા સીધી જ બાળકોને રસી આપવામાં આવશે.

coronavirus covid19 covid vaccine vaccination drive international news