પાનામા પેપર્સ બાદ હવે આ પેન્ડોરા પેપર્સ વળી કઈ બલાનું નામ છે? જાણો વિગતે

04 October, 2021 08:13 PM IST  |  Mumbai | Karan Negandhi

હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.

પાનામા પેપર્સ શું છે?

દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.

હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.

પેન્ડોરા પેપર્સ

હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.

આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.

આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.

ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ - લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.

હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.

પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

international news panama papers anil ambani sachin tendulkar