જમ્મૂમાંથી કલમ 370 હટાવવામાં આવી તો સહન નહીં કરીએઃ પાકિસ્તાન

06 April, 2019 06:52 PM IST  |  ઈસ્લામાબાદ

જમ્મૂમાંથી કલમ 370 હટાવવામાં આવી તો સહન નહીં કરીએઃ પાકિસ્તાન

પાકિસ્તાનનું કલમ 370 પર નિવેદન

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. શનિવારે કશ્મીરમાં કલમ 370ને લઈને પાકિસ્તાને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ કશ્મીરમાં કલમ 370ને રદ્દ કરવાને સ્વીકાર નહીં કરે, પાકિસ્તાને કહ્યું કે આવું કરવાથી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ઉલ્લંઘન થશે.

મહત્વનું છે કે કલમ 370 અંતર્ગત જમ્મૂ-કશ્મીર રાજ્યને કેટલાક ખાસ અધિકારો મળ્યા છે. ભારતના બંધારણની કલમ 370 જમ્મૂ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે શુક્રવારે ઈસ્લામાબાદમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે કશ્મીરમાં કલમ 370 હટાવવી એ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે. અમે કોઈ પણ પરિસ્થિતિમાં તેનો સ્વીકાર નહીં કરીએ અને કશ્મીરી પણ તેનો સ્વીકાર નહીં કરે.

ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાંથી કલમ 370 હટાવવા માટે પાર્ટીની પ્રતિબદ્ધતાનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર, ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે છે રાજ્યમાંથી આ કલમ હટાવવી અમારી પ્રતિબદ્ધતામાં સામેલ છે, પરંતુ રાજ્યસભામાં બહુમતિ ન હોવાથી અત્યાર સુધીમાં કાંઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

શાહની ટિપ્પણીની જમ્મૂ અને કશ્મીરના નેતાઓએ તીખી આલોચના કરી છે. નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે દેશના આઝાદી મળી હતી ત્યારે એક બંધારણ બનાવવામાં આવ્યું હતું જેમાં કેટલાક પ્રાવધાન રાખવામાં આવ્યા હતા જેનાથી રાજ્યની ઓળખ સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચોઃ કલમ 370 હટાવવાની માંગ સાથે તંઝીમ મેરાણી શાહીબાગ ખાતે કરી રહી છે ઉપવાસ

તેમણે કહ્યું કે, તેમાં કલમ 370 અને કલમ 35 એ સામેલ હતા. દુર્ભાગ્યથી આપણા કેટલાક નેતાઓએ કલમ 370ને પોતાના વ્યક્તિગત લાભ માટે ખોખલી બનાવી દીધી. તેમના પિતા અને નેશન કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે કલમ 370 ખતમ થવા પર નવી દિલ્હી અને રાજ્ય વચ્ચેના સંબંધો ખતમ થઈ જશે.

pakistan jammu and kashmir