કોરોનાની વૅક્સિન નથી લીધી? તો મોબાઈલનું સીમકાર્ડ બ્લૉક કરશે આ દેશની સરકાર

11 June, 2021 06:03 PM IST  |  Lahore | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનની પંજાબ સરકારનો આવો છે નિયમ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેરે વિશ્વમાં હાહાકાર ફેલાવ્યો છે. જોકે, હવે પરિસ્થિતિ થોડીક કાબુમાં આવી રહી છે. તો બીજી બાજુ બધા જ દેશોમાં વૅક્સિનેશન ડ્રાઈવે પણ જોર પકડ્યું છે. મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન શરુ થયું છે. પરંતુ લોકો વૅક્સિનેશન બાબતે હજી પણ જાગૃત નથી. ત્યારે સરકાર તેમને વૅક્સિન લેવા પ્રેરિત કરવા અનેક પગલાં લઈ રહી છે. અમેરિકા જેવા દેશો લોકોને વૅક્સિન લેવા માટે ઈનામી લાલચ આપી રહ્યાં છે તો બીજી બાજુ પાકિસ્તાન લોકોને વૅક્સિન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો કોરોનાની વૅક્સિન નહીં લગાડે તેમનું સીમ કાર્ડ બ્લૉક કરી દેવામાં આવશે. જેનો અર્થ એ થયો કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના સ્વાસ્થ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, જે લોકો કોરોનાની વૅક્સિન નહીં લે તેમનું સીમ કાર્ડ બ્લૉક કરી દેવાશે. સરકારનું કહેવું છે કે, જ્યાં લોકોને વૅક્સિન આપવામાં આવી છે ત્યાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વૅક્સિન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વૅક્સિન મુકાવે તે માટે આકરા નિયમો લાગું કરવાનું નક્કી કરાયું છે.

પંજાબના સ્વાસ્થ્ય પ્રધાન ડો.યાસમીન રશીદનું કહેવું છે કે, અમે એવા લોકોની યાદી બનાવી રહ્યાં છે જેઓ કોરોના વૅક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે લોકોમાં ડર પણ ઘુસી ગયો છે.

જોકે, આવા આકરા નિયમો લાગુ કર્યા બાદ કેટલાં લોકો વૅક્સિન લેવા આગળ આવે છે તે જોવાનું રહ્યું છે.

coronavirus covid19 covid vaccine vaccination drive pakistan lahore international news