26 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહ અને કેપ્ટન અભિનંદન
Pakistan News: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદનને પાકિસ્તાન બોર્ડર પર પકડી પાડનાર પાકિસ્તાનના સૈન્ય મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહને પાકિસ્તાનમાં જ મારી નાખવામાં આવ્યો છે. તેની સાથે ૧૪ અન્ય પાકિસ્તાની સૈનિકોને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા મારવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે આ બાબતની કોઈ પુષ્ટિ કરી નથી. છતાં પણ અહેવાલો સૂચવી રહ્યા છે કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં આ સૈનિકો માર્યા ગયા છે.
Pakistan News: પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે દક્ષિણ વઝિરિસ્તાનના સરગોધા અને કુર્રમ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. જો કે, કેટલાક પાકિસ્તાન તરફી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે પુષ્ટિ કરી છે કે સરગોધામાં રોડ રેજ દરમિયાન મેજર સૈયદ મોઇઝ સહિત અન્ય કેટલાંક સૈનિકોનાં મોત થયાં છે.
દક્ષિણ વઝિરિસ્તાનના સરગોધા વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) વિરુદ્ધ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના મેજર મોઇઝ અબ્બાસ શાહની આગેવાનીમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ અથડામણમાં પાકિસ્તાની સેનાના મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાયક જિબ્રાનુલ્લાહનું પણ મોત નીપજ્યું છે. ૩૭ વર્ષની વયના મોઈઝ અબ્બાસ શાહની વાત કરવામાં આવે તો તે પાકિસ્તાનના ચકવાલ જિલ્લાનોં રહેવાસી હતો.
કોણ છે આ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન?
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Pakistan News) એ બીજું કશું જ નહીં પણ પાકિસ્તાને પોતે જ પોતાના પગ પર મારેલી કુહાડી છે. કારણકે પાકિસ્તાને જે આતંકવાદીઓને તેમના દેશમાં આશ્રય આપ્યો. પાળ્યા અને પોષ્યા. તેમ જ તેઓને ભારત અને પાકિસ્તાની શિયા સમુદાય વિરુદ્ધ લડવા માટે ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા પછી થોડા જ દિવસોમાં તે જ પાકિસ્તાન માટે મુસીબત બની ગયા. વર્ષ 2007માં પાકિસ્તાની સેના દ્વારા લાલ મસ્જિદ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને કારણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જન્મ્યું હતું. જેનું પરિણામ પાકિસ્તાનને જ વારંવાર ભોગવવું પડ્યું છે. આ જ વર્ષે જૂન સુધીમાં તહરીક-એ-તાલિબાન સાથેની અથડામણમાં ૧૧૬ જેટલા પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓનાં મોત થયા છે. વર્ષ 2024ની વાત કરીએ તો સાનિંકોના તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧,૨૮૪ પાકિસ્તાની સૈન્ય અને પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો.
મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહ કોણ છે?
મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહની વાત કરીએ તો તે એ જ પાકિસ્તાની અધિકારી છે જેણે ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડી પાડ્યો હતો. અભિનંદનનું ફાઇટર જેટ પાકિસ્તાનના ફાઇટર જેટ્સની ઘૂસણખોરીનો જવાબ આપતાં આપતાં પાકિસ્તાની બોર્ડર એરિયામાં ક્રેશ થયું હતું. ત્યારબાદ અભિનંદનને પાકિસ્તાની સૈન્યએ પકડી લીધો હતો. મેજર સૈયદ મોઈઝ અબ્બાસ શાહે જ અભિનંદનને પકડ્યો હતો. હવે આ જ મોઇઝ અબ્બાસનું મોત થયું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર અફઘાનિસ્તાનની સીમા પર આવેલા ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લામાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાની (Pakistan News) સૈન્યએ તો તેની પાછળ ભારતનો જ હાથ હોવાનું ગણાવ્યું હતું. પરંતુ સાચું શું છે એ દુનિયા જાણે જ છે.