કરાચી: નવાઝ શરીફના જમાઈની ધરપકડ વિશે તપાસના આદેશ

22 October, 2020 02:10 PM IST  |  Karachi | Agency

કરાચી: નવાઝ શરીફના જમાઈની ધરપકડ વિશે તપાસના આદેશ

બે દિવસ પહેલાં પત્રકારોને સંબોધતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ, જેમના પતિની ધરપકડના આદેશને કારણે આ સ્થિતિ સરજાઈ છે. તસવીર : એએફપી.

સિંધ પ્રાંતના પોલીસ વડાએ ‘રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને’ પોતાની રજાઓ રદ કરી છે અને હાથ નીચેના અધિકારીઓને પણ રજાની અરજીઓ ૧૦ દિવસ મુલતવી રાખવાની સૂચના આપી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમના પતીની ધરપકડ કેવા સંજોગોમાં કરાઈ એની તપાસનો આદેશ લશ્કરના વડા કમર બાજવાએ આપ્યા પછી સિંધ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે સતર્કતાના આદેશો આપ્યા હતા. નવાઝ શરીફના જમાઈ કૅપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરની ધરપકડને પગલે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો.

પાકિસ્તાનના વિરોધ પક્ષોએ અર્ધલશ્કરી દળોના દબાણમાં સિંધ પોલીસને કૅપ્ટન સફદરની ધરપકડ કરવાની ફરજ પડી હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર પછી સિંધ પોલીસ માટે સંકોચભરી સ્થિતિ સર્જાતાં સિંધના આઇજીપી અને અન્ય અમલદારોએ રજા પર ઊતરી જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ લશ્કરના વડા કમર બાજવાએ કૅપ્ટન સફદરની ધરપકડની ભૂમિકા તપાસવાનો આદેશ આપ્યા પછી તેમણે રજા પર ઊતરવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો અને અન્ય અમલદારોને પણ રજાની અરજીઓ પાછી ખેંચવાની સૂચના આપી હતી.

karachi international news pakistan nawaz sharif