31 July, 2026 04:10 PM IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાન (Pakistan) ની જેલમાં બંધ કુખ્યાત ગૅંગસ્ટર અને પૂર્વ `પીપલ્સ અમન કમિટી` (PAC) ના વડા ઉઝૈર બલોચ (Uzair Baloch) ના ભાઈ ઝુબેર બલોચ (Zubair Baloch) પર ગુરુવારે સાંજે કરાચી (Karachi) ના લિયારી (Lyari) વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઝુબેર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે બે રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ફરી એકવાર ગૅંગવોર શરુ થવાની ભીતિ સેવાઈ રહી છે.
`ડોન` (Dawn) સહિતના પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, ૪૦ વર્ષીય ઝુબેર સિંગુ લેન સ્થિત તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે મોઢું ઢાંકીને મોટરસાઇકલ પર આવેલા બે સશસ્ત્ર હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો ફરાર થાય તે પહેલાં ઝુબેરને છાતી અને પેટના ભાગે અનેક ગોળીઓ (Zubair Baloch shot in Karachi`s Lyari) વાગી હતી.
પોલીસે જણાવ્યું કે, નજીકના એક દુકાનદારે હુમલાખોરો પર સામેથી ગોળીબાર કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. ઝુબેરને તાત્કાલિક કરાચીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી છે અને તેની હાલત અતિ નાજુક જણાવાઈ રહી છે. બે ઘાયલ રાહદારીઓને પણ સારવાર માટે આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સાઉથ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) સૈયદ અસદ રઝાના જણાવ્યા મુજબ, તપાસકર્તાઓ આ ઘટનાની ગૅંગવોર, અંગત દુશ્મનાવટ અને અન્ય શક્યતાઓ સહિત અનેક એંગલથી તપાસ કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, લિયારીના એક સામાજિક કાર્યકરે નામ ન આપવાની શરતે દાવો કર્યો હતો કે, ઝુબેરે તાજેતરમાં જ એક રાજકીય પક્ષમાં પ્રવેશ કર્યો હતો અને વિસ્તારમાં તેના ઝંડા પણ લગાવ્યા હતા. ગોળીબારની આ ઘટનાને રાજકીય જોડાણ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ હુમલાથી લિયારીમાં વ્યાપક ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, કરાચીમાં ગુનાખોરી વિરોધી કામગીરી દરમિયાન દુબઈ અને ઈરાન ભાગી ગયેલા કેટલાક ગૅંગસ્ટરો તાજેતરના મહિનાઓમાં પાછા ફર્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં હિંસા વધવાની ચિંતા વધી છે.
ઝુબેરનો મોટો ભાઈ ઉઝૈર બલોચ ૨૦૦૯માં ગૅંગસ્ટર રહેમાન ડાકુના પોલીસ એન્કાઉન્ટર બાદ કરાચીના સૌથી ખતરનાક ગૅંગ લીડરોમાંથી એક તરીકે ઉભરી આવ્યો હતો. તેણે પ્રતિબંધિત `પીપલ્સ અમન કમિટી`નું નેતૃત્વ કર્યું હતું અને તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, વસૂલી, હથિયારોની તસ્કરી, પોલીસ તથા રેન્જર્સ પર હુમલા અને જાસૂસી સહિત ૧૦૦થી વધુ ગુનાહિત કેસો નોંધાયેલા છે.
ઉઝૈર બલોચની જાન્યુઆરી ૨૦૧૬માં પાકિસ્તાન રેન્જર્સે કરાચીમાં છૂપી રીતે પ્રવેશવાના પ્રયાસ દરમિયાન ધરપકડ કરી હતી. એપ્રિલ ૨૦૨૦માં લશ્કરી અદાલતે તેને જાસૂસીના આરોપસર ૧૨ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ વર્ષની શરૂઆતમાં, આતંકવાદ વિરોધી અદાલતે હત્યા અને વિસ્ફોટકો રાખવા સંબંધિત અનેક કેસોમાં તેની જામીન અરજીઓ પણ ફગાવી દીધી હતી.
ઘટના બાદ લિયારીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે.