18 July, 2026 08:45 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રિપબ્લિકન અને ડેમોક્રૅટિક બન્ને પાર્ટીના ૬૦થી વધુ અમેરિકન સેનેટરોએ ભારત સહિત રશિયાના તેલના ટોચના પાંચ ખરીદદારો પર ૧૦૦ ટકા સુધી ટૅરિફ લાદવાના બિલને સમર્થન આપ્યું છે. જોકે આ બિલ રશિયન કુદરતી ગૅસની આયાત કરતા અમેરિકાના યુરોપિયન સાથીઓને છૂટ આપે છે. અગાઉ રશિયન તેલના ટોચના પાંચ ખરીદદારો પર ૫૦૦ ટકા ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
ભારત સહિતના દેશો રશિયા પાસેથી તેલની ખરીદી કરે છે તેથી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને યુક્રેન સામે લડવા માટે નાણાં મળી રહે છે એવો દાવો કરીને આ બિલ લાવવામાં આવી રહ્યું છે. રશિયાને પ્રતિબંધિત કરવાના આ બિલની જોગવાઈઓ જાહેરમાં જાહેર કરવામાં આવી છે.
આ બિલ એવા યુરોપિયન દેશોને મુક્તિ આપે છે જેમની રશિયન કુદરતી ગૅસની આયાત રશિયાના કુલ કુદરતી ગૅસની નિકાસના ૧૫ ટકા કરતાં ઓછી છે અને તેઓ આયાતમાં સક્રિયપણે ઘટાડો કરી રહ્યા છે.