કોરોનાનો નવો પ્રકાર, ૩ સંક્રમિતોમાંથી એકનું મોત

29 January, 2022 09:11 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

વુહાનના સાયન્ટિસ્ટ્સે ‘નિયોકોવ’થી ઉચ્ચ મૃત્યુદરના જોખમ વિશે ચેતવણી આપી

પ્રતીકાત્મક તસવીર

ચીનના વુહાનના સાયન્ટિસ્ટ્સે સાઉથ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા પ્રકાર ‘નિયોકોવ’ વિશે ચેતવણી આપી છે. નોંધપાત્ર છે કે કોરોના વાઇરસ ૨૦૧૯માં વુહાનમાંથી જ ફેલાયો હતો. આ સાયન્ટિસ્ટ્સે હવે ચેતવણી આપતા જણાવ્યું હતું કે નિયોકોવ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને એમાં મૃત્યુદરનું પ્રમાણ પણ ખાસ્સું વધારે છે.  
જોકે નિયોકોવ વાઇરસ એ નવો નથી. MERS-CoV વાઇરસને સંબંધિત છે અને મિડલ ઈસ્ટના દેશોમાં ૨૦૧૨ અને ૨૦૧૫માં એ ડિટેક્ટ થયો હતો જે SARS-CoV-2 જેવો જ છે કે જેનાથી માણસોને કોરોના વાઇરસ થાય છે.  
સાઉથ આફ્રિકામાં ચામાચીડિયામાં નિયોકોવ શોધાયો હતો. એ આ પ્રાણીમાં જ ફેલાતો હોવાનું મનાય છે. જોકે બાયોઆરક્સિવ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવેલા એક નવા સ્ટડી અનુસાર નિયોકોવથી માણસો પણ સંક્રમિત થઈ શકે છે. 
વુહાન યુનિવર્સિટી અને ચાઇનીઝ અૅકેડમી ઑફ સાયન્સિસ ઇન્સ્ટિટ્યુટ ઑફ બાયોફિઝિક્સના સંશોધકો અનુસાર આ વાઇરસ માણસોના કોષોમાં 
પ્રવેશે એના માટે માત્ર એક મ્યુટેશનની જરૂર છે. 
ચીનના આ સંશોધકો અનુસાર નિયોકોવમાં MERS-CoVનો ઉચ્ચ મૃત્યુદર અને કોરોના વાઇરસના ઉચ્ચ સંક્રમણ દર એમ બન્નેનું કૉમ્બિનેશન છે. નિયોકોવથી દર ત્રણ સંક્રમિતોમાંથી એકનું મોત થઈ શકે છે. 
નિયોકોવ વિશે આ જાણકારી મળ્યા બાદ રશિયન સ્ટેટ વાઇરોલૉજી અૅન્ડ બાયોટેક્નૉલૉજી રિસર્ચ સેન્ટરના એક્સપર્ટ્સે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘નિયોકોવ વાઇરસ વિશે ચાઇનીઝ સંશોધકો દ્વારા મેળવવામાં આવેલા ડેટાથી વેક્ટર રિસર્ચ સેન્ટર વાકેફ છે. હાલના સમયે માણસોમાં સક્રિય રીતે કોરોના વાઇરસની જેમ ફેલાય એવા વાઇરસનો ખતરો નથી. આ ખતરા વિશે હજી વધારે અભ્યાસ કરવાની જરૂર છે.’

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એના વિશે શું કહ્યું? 
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું કે નિયોકોવ કોરોના વાઇરસથી માણસોને જોખમ રહેલું છે કે નહીં એ જાણવા માટે વધુ સ્ટડી કરવો પડશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન વુહાનના સાયન્ટિસ્ટ્સની નવી શોધથી વાકેફ છે અને આ બાબતે વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન ફૉર ઍનિમલ હેલ્થ તેમ જ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના ટચમાં છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું કે ‘પ્રાણીઓ, ખાસ કરીને જંગલી પ્રાણીઓ માણસોમાં ઊભરતી ૭૫ ટકા ચેપી બીમારીઓનો સોર્સ છે, જેમાંથી અનેક નોવેલ વાઇરસિસથી થાય છે. કોરોના વાઇરસ અવારનવાર પ્રાણીઓમાં જોવા મળે છે.’ 

coronavirus covid19 international news china