કર્મચારીએ સાથીને ધસમસતી ટ્રકથી આબાદ બચાવ્યો

21 March, 2021 03:18 PM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

જો તેનો સહકર્મચારી તેને સ્ટૉલમાંથી ખેંચી કાઢીને દૂર ન લઈ ગયો હોત તો સ્ટૉલની સાથે તેની પણ ચટણી થઈ ગઈ હોત.

લોરી

સીસીટીવી કૅમેરાના કવરેજના વિડિયો પણ ઘણી વાર અવનવી ઘટનાઓ લોકો સમક્ષ લાવવાનું માધ્યમ બનતા હોય છે. રશિયાની રાજધાની મૉસ્કોમાં એક માણસ સ્ટૉલ પર બેઠો-બેઠો કામ કરતો હતો. દૂરનાં વાહનો તરફ તેનું ધ્યાન નહોતું. બની શકે કે તે મોબાઇલમાં માથું નાખીને બેઠો હશે.

બન્યું એવું કે દૂરથી એક લાંબી ટ્રક ધસમસતી આવી રહી હતી. એ ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. સ્ટૉલ-કિઓસ્ક પર તેની જોડે કામ કરતા અન્ય કર્મચારીનું ઊલટી આવી રહેલી ટ્રક તરફ ધ્યાન ગયું હતું અને તેણે સમયસૂચકતા વાપરી અને તરત દોડીને સ્ટૉલની બારી ખોલીને અંદર બેઠેલા સાથી-કર્મચારીને પકડીને બહાર ખેંચી કાઢ્યો હતો. ધસમસતી ટ્રક પહોંચે એ પહેલાં સાથી-કર્મચારીને બચાવવા માટે તેણે જીવસટોસટની બાજી લગાવી હતી અને તેને બચાવીને દૂર લઈ ગયો હતો. પળવારમાં પેલી ટ્રક એ જ સ્ટૉલ તરફ ધસી આવી અને સ્ટૉલ સાવ ચગદાઈ ગયો હતો. પેલા કર્મચારી પર ઈશ્વરની કેવી મહેરબાની હશે.

જો તેનો સહકર્મચારી તેને સ્ટૉલમાંથી ખેંચી કાઢીને દૂર ન લઈ ગયો હોત તો સ્ટૉલની સાથે તેની પણ ચટણી થઈ ગઈ હોત.

Russia Moscow OffbeatNews HatkeNews InternationalNews