ચીન: છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાએ કપડાં સૂકવવાનું રૅક બનાવ્યું

24 May, 2019 10:24 AM IST  |  ચીન

ચીન: છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાએ કપડાં સૂકવવાનું રૅક બનાવ્યું

કપડાં સૂકવવાનું રૅક

મુંબઈમાં વરસાદની સીઝન હવે ઢૂંકડી છે ત્યારે અચાનક તૂટી પડતા વરસાદને કારણે કપડાં ક્યાં સૂકવવાં એની સમસ્યા થશે. ચીનના નૅનિંગ શહેરમાં રહેતા ૧૨ વર્ષના લુ ઝિઝેન નામના વિદ્યાર્થીએ એનો જબરો તોડ કાઢ્યો છે. છઠ્ઠા ધોરણમાં ભણતા આ છોકરાએ કપડાં સૂકવવાનું રૅક બનાવ્યું છે. નવાઈની વાત એ છે કે આ રૅક રેઇન સેન્સિટિવ છે. મતલબ કે જો એના પર કપડાં સૂકવીને તમે એને બહાર મૂક્યું હોય અને અચાનક વરસાદ તૂટી પડે તો તરત જ એ રૅક પર એક છત જેવી તાડપત્રી ઢંકાઈ જાય છે. પાણીના ટીપાનું સેન્સર ધરાવતી સિસ્ટમ તેણે ગોઠવી છે જે તાડપત્રીને રોલઓવર કરી શકે છે.

આ પણ વાંચો : 8 વર્ષનો છોકરો 106 ભાષા લખી-વાંચી શકે છે, 10 ભાષા કડકડાટ બોલે છે

લુ ઝિઝેન ઘરમાં ભણતો હોય અને તેની મમ્મી બહાર જાય ત્યારે તેને કહી રાખતી કે જો વરસાદ આવે તો બહારથી કપડાં લઈ લેજે. જોકે લુ ઘણી વાર એ કામ કરવાનું ભૂલી જતો અને તેણે તેની મમ્મીની વઢ ખાવી પડતી. બસ, એ પછી તેને વિચાર આવ્યો કે વરસાદ આવે ત્યારે આપમેળે કપડાં ન પલળે એવું રૅક બનાવીએ તો? એ પછી તેણે સ્કૂલના ન્યુ ઇનોવેશનના પ્રોજેક્ટમાં આ જ વિચાર પર કામ કરીને ખરેખર એવું રૅક બનાવી દીધું જે વરસાદનાં ટીપાં પારખીને શેલ્ટર બનાવી દે છે.

china