US: એડમિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત

31 January, 2019 06:38 PM IST  |  વોશિંગ્ટન

US: એડમિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત

ફાઇલ ફોટો

અમેરિકન ગૃહવિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 600 અન્ય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકામાં માન્ય દસ્તાવેજો વિના રહેતા લોકોને પકડવા માટે ગૃહવિભાગે એક ફેક યુનિવર્સિટી બનાવી હતી. તેના દ્વારા પહેલા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને પછી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા. અમેરિકા ટુંક સમયમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી શકે છે.

વિદ્યાર્થીઓને અટકાયતમાં લેવાની વાત સૌથી પહેલા અમેરિકન તેલુગુ એસોસિયેશન(એટીએ) તરફથી આવી. આ ઉત્તરી અમેરિકામાં તેલુગુ મૂળના લોકોનું સંગઠન છે. એટીએએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તેમની સામે આ મામલો અટકાયતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના અંગતજનો અને સંબંધીઓ દ્વારા આવ્યો.

અમેરિકન કસ્ટમ એજન્ટ્સે ઇમિગ્રેશન ફ્રોડને પકડનારા ઓપરેશનને 'પેપરચેઝ' નામ આપ્યું. યુનિવર્સિટીમાં 2017 પછીથી ગૃહવિભાગના અંડરકવર અધિકારીઓને રાખવામાં આવ્યા હતા, જે આરોપીઓની ઓળખ કરવામાં લાગ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતીય મૂળના આઠ એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટ્સને પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટે કસ્ટડીમાં રાખ્યા છે.

આ પણ વાંચો: US: સ્વામીનારાયણ મંદિરમાં થઈ તોડફોડ, હિંદુ સમુદાયમાં નારાજગી

ફેસબુક પર એટીએની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015ની શરૂઆતમાં આ યુનિવર્સિટીને અંડરકવર ઓપરેશન હેઠળ શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ ઇમિગ્રેશન ફ્રોડ સાથે જોડાયેલા લોકોને પકડવાનો હતો. એટીએનું કહેવું છે કે વિદ્યાર્થીઓ તરફથી મદદની અપીલ પછી સંગઠને અલગ-અલગ શહેરોમાં હાજર પોતાની ટીમોને કામ પર લગાવી દીધી છે. એટીએની લીગલ ટીમ ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન સાથે વાતચીત કરી રહી છે. એટીએના કેટલાક સભ્યોએ આ મામલે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શિંગલા સાથે પણ મુલાકાત કરી અને આ મામલા પર સંપૂર્ણ જાણકારી આપી.

donald trump united states of america