ભાગેડુ નીરવ મોદીની થશે ભારત વાપસી

26 February, 2021 11:01 AM IST  |  Londo | Agency

ભાગેડુ નીરવ મોદીની થશે ભારત વાપસી

નીરવ મોદી

વૉન્ટેડ હીરાના કારોબારી નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ પર બ્રિટનની કોર્ટમાં ગુરુવારે અંતિમ સુનાવણી થઈ હતી, એમાં કોર્ટે નીરવને ભારત મોકલવાની મંજૂરી આપી છે. જજે કહ્યું કે નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નથી કે ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે અને કહ્યું છે કે એવું લાગતું નથી કે તેમને કોઈ તકલીફ હોય. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલની બૅરેક નંબર-૧૨ને નીરવ મોદી માટે પર્ફેક્ટ ગણાવી છે એ સાથે જ કહ્યું છે કે ભારત પ્રત્યર્પણ થશે તો પણ નીરવને ત્યાં ન્યાય મળશે જ.

પંજાબ નૅશનલ બૅન્કના ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે લોનની છેતરપિંડીના આરોપી નીરવ મોદી અત્યારે લંડનની વૉન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેને પ્રત્યર્પણ કરીને ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ આ સંદર્ભે અંતિમ મંજૂરી માટે આ કેસ બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે, જ્યારે આ વિશે અંતિમ મંજૂરી મળશે.

જોકે આ ચુકાદા બાદ પણ ભારતીય તપાસ-એજન્સીઓ અને નીરવ મોદી પાસે હાઈ કોર્ટમાં અપીલ કરવાની તક હશે, જેમાં માનવામાં આવી રહ્યું છે કે આ મામલાની સુનાવણી હજી લાંબી ચાલી શકે છે. નીરવ મોદીને પ્રત્યર્પણ વૉરન્ટ પર ૨૦૧૯ની ૧૯ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યર્પણ મામલાના સિલસિલામાં થયેલી ઘણી સુનાવણી દરમ્યાન તે વૉન્ડ્‌સવર્થ જેલમાં વિડિયો-લિન્ક દ્વારા સામેલ થયો હતો.

london Nirav Modi international news