કુવૈતમાં રહેતા સાત લાખ ભારતીયોને છોડવો પડશે દેશ, જાણો શા માટે

06 July, 2020 02:49 PM IST  |  Kuwait | Gujarati Mid-day Online Correspondent

કુવૈતમાં રહેતા સાત લાખ ભારતીયોને છોડવો પડશે દેશ, જાણો શા માટે

કુવૈતમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા લગભગ 15 લાખ છે

કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. આ બિલને મંજૂરી મળવાને કારણે લગભગ સાત લાખ ભારતીયોને કુવૈત છોડવું પડે તેવી શક્યતા છે.

ગલ્ફ ન્યૂઝે સ્થાનિક મીડિયા રિપોર્ટના હવાલાથી જણાવ્યું છે કે, કુવૈતની નેશનલ એસેમ્બલીએ નિર્ધારિત કર્યું છે કે અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટ બંધારણીય છે. આ બિલ મુજબ, કુવૈતમાં ભારતીયનો વસ્તી 15 ટકાથી વધુ ન હોવી જોઈએ. બિલને સંબંધિત સમિતિમાં સ્થાનાંતરિત કરવાની વાત કહેવામાં આવી છે. જેથી તેમના માટે એક વ્યાપક યોજના બનાવી શકાય. તેથી આ બિલના કારણે લગભગ 7,00,000 ભારતીયોને કુવૈત છોડવું પડે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. જેની કુલ સંખ્યા લગભગ 15 લાખ છે.

કોરોના વાયરસ (COVID-19)ના વધતા સંક્રમણની સાથે જ કુવૈતમાં પ્રવાસીઓ વિરદ્ધ નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક પ્રશાસન અને સરકારી અધિકારીઓએ કુવૈતમાંથી વિદેશીઓની સંખ્યા ઓછી કરવાની વાત કરી હતી. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ, કુવૈતમાં કોરોના વાયરસના 49,000થી વધુ કેસ નોંધાયા છે.

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ગયા મહિને કુવૈતના વડાપ્રધાન શેખ સબા અલ ખાલિદ અલ સબાહએ અપ્રવાસીઓની વસ્તી 70થી ઘટાડીને 30 ટકા સુધી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, ભારત તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારતીય દૂતાવાસ આ તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.

international news kuwait india