13 September, 2026 10:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં ભારત મંડપમમાં બ્રિક્સ સમિટમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદી.
દિલ્હીમાં યોજાયેલા બે દિવસના બ્રિક્સ શિખર સંમેલનમાં આ સંગઠનના સભ્ય દેશોએ ગઈ કાલે એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં મિડલ ઈસ્ટ અને વેસ્ટ એશિયામાં વધતા ટેન્શન પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે મહત્તમ સંયમ રાખવાની હાકલ કરવામાં આવી હતી. એમાં ઈરાન યુદ્ધના મામલે અમેરિકાની ટીકા પણ કરવામાં આવી હતી. બ્રિક્સ એટલે કે BRICSમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા ઉપરાંત બીજા ૬ દેશો મેમ્બર છે અને અન્ય ૧૦ દેશો પાર્ટનર છે.
ઈરાન યુદ્ધને લઈને અમેરિકાની ટીકા કરતા હોય એવા એક નિવેદનમાં બ્રિક્સના સભ્યોએ કહ્યું હતું કે ‘અમે નાગરિક માળખાગત સુવિધાઓ અને શાંતિપૂર્ણ પરમાણુ સુવિધાઓ પરના ઇરાદાપૂર્વકના હુમલાઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તનાવ માટે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે લાંબા ગાળાની સમજૂતી તરફના પ્રયાસો વધારવાને પ્રોત્સાહન આપીએ છીએ, જે કાયમી શાંતિમાં યોગદાન આપશે.’
બ્રિક્સ દેશોએ નાગરિકો અને નાગરિક માળખાગત સુવિધાઓના રક્ષણનો આગ્રહ કર્યો હતો અને પ્રદેશમાં કાયમી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સંવાદ અને રાજદ્વારીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી હતી. એમણે વૈશ્વિક વેપાર, પુરવઠા-શૃંખલા અને ઊર્જાના સરળ પ્રવાહને જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
બ્રિક્સ શિખર સંમેલનનો આજે છેલ્લો દિવસ છે.
૨૦૨૫ના એપ્રિલ મહિનામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની બ્રિક્સના જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં સખત નિંદા કરવામાં આવી હતી અને પાકિસ્તાનને પરોક્ષ સંદેશ આપતા નિવેદનમાં જણાવાયું હતું કે અમે આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને મળતું નાણાકીય ભંડોળ અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત આતંકવાદનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
પહલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ ટૂરિસ્ટોએ જીવ ગુમાવ્યો હતો. સંયુક્ત નિવેદનમાં આતંકવાદ પર ઝીરો ટૉલરન્સ પૉલિસી અને આતંકવાદી નેટવર્ક સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહીની હાકલ કરવામાં આવી હતી. આતંકવાદી જોખમોનો સામનો કરવાના પ્રયાસોમાં ડબલ સ્ટાન્ડર્ડને પણ નકારી કાઢ્યા હતા.
બ્રિક્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આતંકવાદને કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ કે વંશીય સમૂહ સાથે જોડવો જોઈએ નહીં. આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તમામ લોકો તેમ જ આવી પ્રવૃત્તિઓને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ અને સંબંધિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તેમની સામે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. આતંકવાદવિરોધી વૈશ્વિક પ્રયાસોએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને સંબંધિત આંતરરાષ્ટ્રીય સંમેલનો તથા પ્રોટોકૉલ્સ સહિતના આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું આવશ્યક છે.’