જાપાની બાળકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હિન્દીમાં કર્યું સ્વાગત, વીડિયો થયો વાયરલ

23 May, 2022 04:22 PM IST  |  Tokyo | Gujarati Mid-day Online Correspondent

બાળકે પોતે પોસ્ટર પણ બનાવ્યું હતું

તસવીર સૌજન્ય: એએનઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય જાપાનની મુલાકાતે પહોંચ્યા છે. સોમવારે ટોક્યોની એક હોટલમાં ભારતીય પ્રવાસીઓ તેમ જ જાપાની નાગરિકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાળકો નરેન્દ્ર મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. નરેન્દ્ર મોદીએ બાળકોને સમય આપ્યો અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ દરમિયાન એક બાળકે પીએમ સાથે હિન્દીમાં વાત કરી હતી.

તેમનું સ્વાગત કરવા આવેલા લોકોને મળીને નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન એક બાળકે હિન્દીમાં પોતાનો પરિચય આપ્યો. જાપાની બાળકના મોઢેથી હિન્દી સાંભળીને નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા હતા. તેમણે બાળકના માથા પર હાથ મૂક્યો. એક હાથમાં સ્વ-નિર્મિત પોસ્ટર અને બીજા હાથમાં આઈ કાર્ડ પકડીને બાળકે હિન્દીમાં કહ્યું કે “મારું નામ મિસગી છે. હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું. જાપાનમાં આપનું સ્વાગત છે.” આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું “વાહ... વાહ... તમે ક્યાંથી હિન્દી શીખ્યા. તમે હિન્દી સારી રીતે જાણો છો.”

બાળકે પોતે પોસ્ટર બનાવ્યું હતું. પોસ્ટરમાં ત્રિરંગો ધ્વજ બનાવવામાં આવ્યો હતો અને તેના પર જાપાની, હિન્દી સહિત ત્રણ ભાષાઓમાં સ્લોગન લખવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોસ્ટરને ધ્યાનથી જોયું અને ઓટોગ્રાફ આપ્યો. જાપાની બાળક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હિન્દીમાં થયેલી આ વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

મોદી જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રાજ્યોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

ઉલ્લેખનીય છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર ટોક્યો પહોંચ્યા છે. તેઓ ક્વોડ લીડર્સની સમિટમાં ભાગ લેશે. ક્વાડ એ યુએસ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાનું જૂથ છે. તેનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ પર ચર્ચા કરવાનો છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, યુએસ પ્રમુખ જો બિડેન અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

international news narendra modi