ઈરાનમાં હિજાબના વિરોધની આગ લંડનમાં ફેલાઈ

27 September, 2022 09:20 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

અનેક જગ્યાએ હિંસક વિરોધ-પ્રદર્શન, કેટલાક પોલીસ અધિકારીઓને ઈજા

લંડનમાં રવિવારે ઈરાનની એમ્બેસીની સાવ નજીક પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી

ઈરાનમાંથી શરૂ થયેલી હિજાબ વિરોધી પ્રદર્શનની આગની જ્વાળા હવે યુકેમાં પણ ફેલાઈ છે. ઈરાનમાં સરકારી ધોરણો મુજબ હિજાબ ન પહેરવા બદલ કુર્દિશ મહિલા મહસા અમિનીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર જુલમ ગુજારીને તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. જેના વિરોધમાં સળંગ અગિયારમા દિવસે પણ ઈરાનમાં દેખાવો થયા હતા.

એટલું જ નહીં; ઍથેન્સ, બર્લિન, બ્રસેલ્સ, ઇસ્તનબુલ, મૅડ્રિડ, ન્યુ યૉર્ક અને અન્ય અનેક સિટીઝમાં વિરોધ-પ્રદર્શન કરીને ઈરાનની મહિલાઓને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો.

યુકેમાં પોલીસે ગઈ કાલે કહ્યું હતું કે રવિવારે શરૂઆતમાં લંડનમાં ઈરાનની એમ્બેસીની સાવ નજીક વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ હતી. જે પછી મઇદા વલેમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇંગ્લૅન્ડને ટાર્ગેટ બનાવાયું હતું. પ્રદર્શનકર્તાઓ કિલબર્ન ઇસ્લામિક સેન્ટરની બહાર પણ દેખાવો કરતા જોવા મળ્યા હતા.

આ વિરોધ-પ્રદર્શન દરમ્યાન અનેક પોલીસ ઑફિસર્સને ઈજા થઈ હતી, જેમાંથી પાંચ જણને ગંભીર ઈજા થઈ છે. આ હિંસક વિરોધ-પ્રદર્શન બદલ બાર જણની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું હતું કે ઑફિસર્સ એમ્બેસીની સિક્યૉરિટી કરી શક્યા હતા, પરંતુ એમ કરવા જતાં તેમના પર હુમલાઓ થયા હતા. તેમના પર બૉટલ્સ અને અન્ય વસ્તુઓથી હુમલાઓ થયા હતા.
ઈરાનમાં મહસાના મૃત્યુની વિરુદ્ધ હિંસક દેખાવોમાં ઓછામાં ઓછા ૬૦ જણનાં મૃત્યુ થયાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઈરાનમાં મહસા બાદ વધુ એક યુવતીની હત્યા
ઈરાનમાં મહસા અમિનીની હત્યાની વિરુદ્ધના પ્રદર્શનનું ઑનલાઇન પ્રતીક બનનારી ૨૦ વર્ષની હદીસ નજફીની તહેરાન પાસે કરાજ સિટીમાં દેખાવો દરમ્યાન ઈરાનનાં સુરક્ષા દળોએ હત્યા કરી હોવાના અહેવાલ છે. એક ક્લિપમાં નજફી હિજાબ પહેર્યા વિના જોવા મળી હતી. આ ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. ઈરાનમાં મહિલાઓ માટે જાહેરમાં હિજાબ પહેરવો ફરજિયાત છે. જેમાં પણ કેટલાક નિયમો છે.

international news iran london